
સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણા વધ્યાં, કોરોના વચ્ચે 2021માં તૂટ્યો 14 વર્ષનો રેકોર્ડ
નવી દિલ્હીઃ સ્વિસ બેંકોમાં ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓની સંપત્તિ વર્ષ 2021 દરમિયાન 50 ટકા વધીને 14 વર્ષના ઉચ્ચસ્તર 3.83 અબજ સ્વિસ ફ્રેંક (રૂ. 30,500 કરોડથી વધુ) ઉપર પહોંચી છે. તેમાં ભારતની સ્વિસ બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની શાખાઓમાં જમા કરાયેલા નાણાંનો પણ સમાવેશ થાય છે.
સેન્ટ્રલ બેંક ઓફ સ્વિટ્ઝર્લૅન્ડ (SNB) દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક ડેટા અનુસાર, સિક્યોરિટીઝ સહિત સંબંધિત સાધનો દ્વારા હિસ્સો અને ગ્રાહકોની થાપણોમાં વધારો થવાને કારણે સ્વિસ બેંકોમાં ભારતીય નાણામાં વધારો થયો છે. અગાઉ, વર્ષ 2020 ના અંત સુધીમાં, સ્વિસ બેંકોમાં ભારતીય નાણા 2.55 અબજ સ્વિસ ફ્રેંક (રૂ. 20,700 કરોડ) હતા.
ભારતીય ગ્રાહકોના બચત અથવા ડિપોઝિટ ખાતાઓમાં થાપણો બે વર્ષના ઘટાડા પછી 2021માં આશરે રૂ. 4,800 કરોડની સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. 2021ના અંતે ભારતીય ગ્રાહકો પ્રત્યે સ્વિસ બેંકોની કુલ જવાબદારી 383.19 કરોડ સ્વિસ ફ્રેંક છે. તેમાંથી, 60.20 મિલિયન સ્વિસ ફ્રેંક ગ્રાહકોની જમા રકમના રૂપમાં છે. જ્યારે 122.5 કરોડ સ્વિસ ફ્રેંક અન્ય બેંકો મારફતે રાખવામાં આવી છે અને 30 લાખ સ્વિસ ફ્રેંક ટ્રસ્ટ વગેરે મારફતે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વિસ બેંકમાં પડેલી બ્લેક મનીને લઈને અગાઉ ભારે હંગામો થયો હતો. એટલું જ નહીં મોદી સરકારે બ્લેકમની ઉપર કાબુ મેળવવા માટે રૂ. 500 અને રૂ. 1000ના દરની નોટબંધી કરી હતી. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.