- ભારતની શ્રીલંકાને મદદ
- શ્રીલંકાને ભારતે યુરિયા આપ્યું
- બે પ્લેનમાં 100 ટન મોકલવામાં આવ્યું
દિલ્હી :ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લા 2-3 મહિનાથી અનેક રીતે સંબંધો વિકસી રહ્યા છે, જે રીતે ભારત સરકાર દ્વારા શ્રીલંકાને મદદ કરવામાં આવી રહી છે તેવામાં ભારત સરકાર દ્વારા શ્રીલંકાને વધારે મદદ કરવામાં આવી છે. વાત એવી છે કે ભારતે ગુરુવારે એરફોર્સના બે જહાજો દ્વારા શ્રીલંકાને 100 ટન નેનો લિક્વિડ યુરિયાની સપ્લાય કરી હતી. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર જણાવ્યું કે આ લિક્વિડ યુરિયાની આ ડિલિવરી શ્રીલંકાની સરકાર દ્વારા તાત્કાલિક મદદની માંગણી બાદ કરવામાં આવી છે. ભારતમાં, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ એ આ વર્ષે ખેડૂતો માટે નેનો લિક્વિડ યુરિયા રજૂ કર્યું.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ આ વર્ષે મે મહિનામાં રાસાયણિક ખાતરોની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ઘણા મહિનાઓ બાદ સરકારે નેનો લિક્વિડ યુરિયાની આયાત કરી છે. સરકાર દ્વારા પ્રતિબંધ બાદ શ્રીલંકામાં યુરિયાની ભારે અછત સર્જાઈ હતી. ભારતે હવે શ્રીલંકાને નેનો યુરિયાનો પુરવઠો વધારવાનો નિર્ણય લીધો છે.
IFFCO એ આ વર્ષે 31મી મેના રોજ ખેડૂતો માટે વિશ્વનું પ્રથમ નેનો લિક્વિડ યુરિયા લોન્ચ કર્યું હતું. સામાન્ય યુરિયાનો ઉપયોગ ઓછામાં ઓછો 50 ટકા ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે તેને ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેની 500 મિલી બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે, જે સામાન્ય યુરિયાની થેલીની સમકક્ષ નાઇટ્રોજન પોષક તત્વો પ્રદાન કરે છે.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકા વધારે રૂપિયા અને ડોલરની લાલચમાં ચીનની જાળમાં ફસાઈ ગયું છે અને તેને બહાર નીકળવા માટે ભારત એક જ દેશ છે કે જે તેને મદદ કરી શકે છે. ચીન દ્વારા શ્રીલંકાને એટલી બધી આર્થિક મદદ કરવામાં આવી છે કે તે મદદ હવે શ્રીલંકા તથા તેની સરકાર માટે દેવું બનીને ઉભરી રહી છે.