સ્ટીલ ક્ષેત્રે ભારતની હરણફાળ, 2030 સુધીમાં ઉત્પાદન ક્ષમતા 300 મેટ્રિક ટન સુધી પહોંચશે
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: ભારત આજે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્ટીલ બજારોમાંનું એક બની ગયું છે. ‘ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’ માં સ્ટીલ મંત્રાલયના પેવેલિયન ખાતે આયોજિત એક વિશેષ સત્રમાં મંત્રાલયના સચિવ સંદીપ પોન્ડ્રિકે દેશના સ્ટીલ ક્ષેત્રના પ્રભાવશાળી આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં સ્ટીલનો વપરાશ વર્ષ 2014-15ના 77 મેટ્રિક ટનથી વધીને 2024-25માં 152 મેટ્રિક ટન થઈ ગયો છે, જે આ ક્ષેત્રમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિ દર્શાવે છે.
તેમણે ભારતની સ્ટીલ ઉત્પાદન ક્ષમતા અંગેના ભવિષ્યલક્ષી રોડમેપ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, 2030-31 સુધીમાં ભારતની કાચા સ્ટીલના ઉત્પાદનની ક્ષમતા 300 મેટ્રિક ટન સુધી પહોંચવાની ધારણા છે. 2035-36 સુધીમાં સરકારનો લક્ષ્યાંક આ ક્ષમતાને વધારીને 400 મેટ્રિક ટન સુધી લઈ જવાનો છે.
આ સત્રનો મુખ્ય હેતુ સ્ટીલ ઉદ્યોગને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડીને ડિજિટલ પરિવર્તનને વેગ આપવાનો હતો. સત્રમાં દેશના અગ્રણી સ્ટીલ ઉત્પાદકો અને આયર્ન ઓર માઇનિંગ કંપનીઓએ એઆઈ ક્ષેત્રના સંશોધકો સામે પોતાની ભવિષ્યની કાર્યયોજના પ્રસ્તુત કરી હતી. આ સંવાદ દ્વારા સ્ટીલ ઉત્પાદન પ્રક્રિયામાં એઆઈનો ઉપયોગ કરીને કાર્યક્ષમતા વધારવા અને ખર્ચ ઘટાડવા માટે નવી ભાગીદારીની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
માઇનિંગથી લઈને ફિનિશ્ડ પ્રોડક્ટ સુધીના તમામ તબક્કે ડિજિટલ ટૂલ્સના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નિષ્ણાતોનું માનવું છે કે, એઆઈ ટેકનોલોજીનો સ્વીકાર કરવાથી ભારતીય સ્ટીલ ઉદ્યોગ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વધુ મજબૂતી મળશે.


