1. Home
  2. Agency
  3. News
  4. બિહારમાં છેવટે નીતિશરાજનો અંત, આજે કોણ બનશે નવા મુખ્યમંત્રી?
બિહારમાં છેવટે નીતિશરાજનો અંત, આજે કોણ બનશે નવા મુખ્યમંત્રી?

બિહારમાં છેવટે નીતિશરાજનો અંત, આજે કોણ બનશે નવા મુખ્યમંત્રી?

0
Social Share

પટણા, 14 એપ્રિલ, 2026: બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. છેલ્લા બે દાયકાથી સત્તાના કેન્દ્રમાં રહેલા નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. રાજ્યસભામાં ચૂંટાયા બાદ હવે તેઓ બિહાર રાજ્યની સક્રિય રાજનીતિ છોડીને દિલ્હી તરફ પ્રયાણ કરી રહ્યા છે. બિહારમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી (BJP) ના મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે, જ્યારે નવી સરકારમાં જનતા દળ યુનાઇટેડ (JDU) ક્વોટામાંથી ઉપમુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મીડિયા અહેવાલો અનુસાર ભાજપના હાલના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી રાજ્યના આગામી મુખ્યપ્રધાન બની શકે છે. જોકે, ભાજપ વિશે નિશ્ચિતરૂપે કશું કહી ન શકાય તેથી સાંજે ચાર વાગ્યે એનડીએની બેઠક બાદ સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી કશું કહી ન શકાય.

આ પણ વાંચોઃ GCCI દ્વારા GATE-2026ની જાહેરાત, 2047ના વિઝન સાથે ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવા લક્ષ્યાંક

કેબિનેટ બેઠક બાદ નીતિશ કુમાર આપશે રાજીનામું

મંગળવારે સવારે 11 વાગ્યે નીતિશ કુમારના અધ્યક્ષસ્થાને કેબિનેટની છેલ્લી બેઠક મળશે. ત્યારબાદ JDU અને BJP વિધાયક દળની અલગ-અલગ બેઠકો યોજાશે. બપોરે 3 વાગ્યે નીતિશ કુમાર રાજભવન જઈને રાજ્યપાલને પોતાનું ત્યાગપત્ર સોંપશે. આવતીકાલે સવારે 11 વાગ્યે રાજભવનમાં નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. BJP તરફથી મુખ્યમંત્રીના નામની જાહેરાત આજે સાંજે 4 વાગ્યે NDA વિધાયક દળની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવશે.

ડેપ્યુટી CM ની રેસમાં કોણ આગળ?

હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે JDU તરફથી ઉપમુખ્યમંત્રી કોણ બનશે. તાજેતરમાં રાજકારણમાં ડગ માંડનારા નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારનું નામ આ પદ માટે સૌથી વધુ ચર્ચામાં છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર નિશાંત અત્યારે આ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી, પરંતુ તેમને મનાવવાના પ્રયાસો ચાલુ છે. બીજી તરફ, બે ઉપમુખ્યમંત્રી હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. કેટલાક માને છે કે નીતિશ કુમાર ઉપમુખ્યમંત્રીના મામલે ચોંકાવી પણ શકે છે અને નિશાંત સિવાય અન્ય કોઈ નેતા પર દાવ રમી શકે છે. આ માટે 5 નામ સૌથી પ્રબળ છે: સંજય ઝા, લલન સિંહ, વિજય ચૌધરી, અશોક ચૌધરી અને વિજેન્દ્ર યાદવ.

આ 5 નેતાઓ કેમ છે દાવેદાર?

સંજય ઝા: તેઓ નીતિશ કુમારની અત્યંત નજીક માનવામાં આવે છે અને પાર્ટીના કુશળ વ્યૂહરચનાકાર છે. તેઓ બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવે છે અને BJP માંથી JDU માં આવ્યા હોવાથી ભાજપમાં પણ તેમની સારી પકડ છે.

લલન સિંહ: તેઓ નીતિશ કુમારના જૂના સાથી અને અત્યંત વિશ્વાસુ છે. ભૂમિહાર જ્ઞાતિના લલન સિંહ હાલમાં લોકસભા સાંસદ અને કેન્દ્રમાં મંત્રી છે. સંગઠન પર તેમની મજબૂત પકડ છે.

વિજય ચૌધરી: તેઓ નીતિશ કુમારના ‘સંકટમોચક’ ગણાય છે. વિધાનસભા અધ્યક્ષ રહી ચૂકેલા ચૌધરી હાલમાં રાજ્ય સરકારમાં મંત્રી છે.

અશોક ચૌધરી: તેમને નીતિશ કુમારના ‘માનસ પુત્ર’ માનવામાં આવે છે. તેઓ મહાદલિત સમુદાયમાંથી આવે છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

વિજેન્દ્ર યાદવ: તેઓ નીતિશ સરકારમાં હંમેશા મહત્ત્વની જવાબદારી નિભાવતા આવ્યા છે અને વહીવટી કાર્યોમાં નિપુણ છે. તેઓ પછાત જ્ઞાતિમાંથી આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code