1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતનું અર્થતંત્ર 2014માં વિશ્વમાં 10મા ક્રમે હતું, આજે પાંચમા સ્થાને છેઃ વડાપ્રધાન મોદી
ભારતનું અર્થતંત્ર 2014માં વિશ્વમાં 10મા ક્રમે હતું, આજે પાંચમા સ્થાને છેઃ વડાપ્રધાન મોદી

ભારતનું અર્થતંત્ર 2014માં વિશ્વમાં 10મા ક્રમે હતું, આજે પાંચમા સ્થાને છેઃ વડાપ્રધાન મોદી

0
Social Share
  • ગુજરાત અને ભારતના વિકાસમાં ભરૂચની મહત્વની ભૂમિકા છે
  • નરેન્દ્ર-ભૂપેન્દ્ર ની ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટા પાયે અને તીવ્ર ગતિએ પૂરા થાય છે
  • નીતિ અને નિયત બેયના આધારે વિકાસના સપના સાકાર કરતું સુદ્રઢ વાતાવરણ બન્યું છે
  • આદિજાતિઓએ વિકાસ યાત્રામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે
  • કોરોના સામેના જંગમાં ગુજરાતે દેશને મોટી મદદ કરી-દેશના ફાર્મા એક્સપોર્ટનો રપ ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે
  • ભરૂચ-અંકલેશ્વરનો વિકાસ ટવીન સિટી મોડેલ આધારે થઇ રહ્યો છે

 ભરૂચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ. 8200 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. જાહેર સભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે,  એક સમયે ખારી શીંગ માટે ઓળખાતા ભરૂચ જિલ્લાએ હવે ઉદ્યોગો, બંદરો, વ્યાપાર ઉદ્યોગોથી વૈશ્વિક ઓળખ મેળવી છે. નર્મદા તટ પરની આ પવિત્ર ભૂમિના સંતાનો કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ શાસ્ત્રી જેવા મહાનુભાવોએ ભરૂચ સાથે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે. ઔદ્યોગિક ગતિ-પ્રગતિમાં શિરમૌર રહેલા ભરૂચ અને અંકલેશ્વરનો વિકાસ ટવીન સિટી મોડેલ આધારિત થઇ રહ્યો છે.

વડાપ્રધાનએ તેમના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન કરેલા વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કામોમાં ફાળવેલા નાણાં ભૂતકાળની સરકારોના કુલ વાર્ષિક બજેટ જેટલા હોવાનું જણાવી ઉમેર્યું કે, નરેન્દ્ર અને ભૂપેન્દ્ર સરકાર એમ ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટાપાયે અને તીવ્ર ગતિએ પૂર્ણ થાય છે. બે દાયકા પહેલાં રાજ્યની ઓળખ વેપારી રાજ્યની હતી, તેના સ્થાને આજે ગુજરાત ખેતી, ઉદ્યોગો, કોસ્ટલ લાઈન, બંદરો, સમુદ્રી વ્યાપારથી ધમધમતું થયું છે, અને બે દશકામાં ગુજરાત સર્વાંગી વિકાસ સાથે ગુણાત્મક પરિવર્તનનું સાક્ષી બન્યું છે.  દેશના કુલ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ગુજરાત 25 ટકો હિસ્સો ધરાવે છે એ રાજ્ય માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે,

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014માં ભારતની અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં દસમા ક્રમે હતી તે આજે ઈંગ્લેન્ડને પાછળ રાખી પાંચમા ક્રમે પહોંચી ગઈ છે. ભારત ઉપર 250 વર્ષ સુધી શાસન કરનારો દેશ આજે પાછળ રહી ગયો છે. આટલી મજબૂત અર્થવ્યવસ્થા બનાવવાનો શ્રેય દેશના નાનામોટા સર્વ ઉદ્યમીઓને જાય છે. જો નીતિ અને નિયત બેય સાફ હોય તો તેના આધારે વિકાસના સપના સાકાર કરવાનું વાતાવરણ સુદ્રઢ બને છે તે આપણે પૂરવાર કર્યુ છે. વીસ વર્ષ પૂર્વે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જીવવા માટે પણ વલખા મારવા પડતા હતા એવી વિકટ અને ભયાવહ સ્થિતિની યાદ તાજી કરાવતા વડાપ્રધાનએ કહ્યું કે, આદિવાસી બાંધવો કાળી મજૂરી કરીને પેટનો ખાડો પૂરતા હતા. ભરૂચ તો લોકોની હિજરતથી ખાલી થવાની તૈયારીમાં હતું. તેમાંય ગુનેગારો બેફામ બન્યા હતા. માતા-દિકરીઓને રાત્રે બહાર નીકળવું હોય તો પણ વિચાર કરવો પડતો હતો. કાયદો અને વ્યવસ્થાની આવી વરવી સ્થિતિમાં ગુજરાતના આત્માને વીંખી નાંખવાના પ્રયાસો થતા હતા. અમારી સરકારે ભલભલા ખેરખાંઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે, આ શાંતિનો લાભ તમામ લોકોને મળ્યો છે. તેના કારણે માતાઓના મને ભરપૂર આશીર્વાદ મળ્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં રૂ. 2506 કરોડના ખર્ચે નિર્માણ પામનારો બલ્ક ડ્રગ પાર્ક 2000 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલો અને વૈશ્વિક કક્ષાની સુવિધા ધરાવતો ઔદ્યોગિક પાર્ક બનશે. રાજ્ય સરકારે આ પાર્ક માટે રૂ 450 કરોડ જેટલી સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેના પરિણામે બલ્ક ડ્રગ ઉદ્યોગકારોને પાર્કમાં ખૂબ જ ઓછા દરે જમીન ફાળવી શકાશે અને તેમને પ્રારંભિક મૂડીરોકાણમાં ખૂબ મોટી રાહત મળશે.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય, કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક થકી સ્થાનિક વિસ્તાર સહિત ગુજરાતને વડાપ્રધાને મોટી સોગાદ આપી છે. ગુજરાતને ફાર્માસ્યુટિકલ હબ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા સાકાર થઈ રહી છે એમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code