1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતની જેમ્સ જ્વેલરીની નિકાસ USD 37.73 બિલિયન, પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો 72 ટકા,
ભારતની જેમ્સ જ્વેલરીની નિકાસ USD 37.73 બિલિયન, પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો 72 ટકા,

ભારતની જેમ્સ જ્વેલરીની નિકાસ USD 37.73 બિલિયન, પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો 72 ટકા,

0
Social Share

ગાંધીનગરઃ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જે GDPમાં 7% ફાળો આપે છે અને ભારતની કુલ વેપારી નિકાસમાં 15%નું સંચાલન કરે છે. આ ક્ષેત્રનો વૃદ્ધિદર અન્ય ઘણા ક્ષેત્રોને પાછળ છોડી દે છે. આ ઉદ્યોગ 45 લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે, જે તેને રોજગારનો નોંધપાત્ર સ્ત્રોત બનાવે છે. તેની આ ક્ષમતાની ઓળખ કરીને, ભારત સરકારે આ ઉદ્યોગને એક્સપોર્ટ પ્રમોશન માટેના એક પ્રમુખ ક્ષેત્ર તરીકે માન્યતા આપી છે.

ભારત જ્વેલરી ઉત્પાદન માટેનું વૈશ્વિક હબ બન્યું છે. દેશ વિશ્વના 75% પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે, અને નાણાકીય વર્ષ 2022-23માં ભારતની કુલ નિકાસ USD 37.73 બિલિયન સુધી પહોંચી છે. UAE સાથે તાજેતરના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)થી નિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા છે, જેનું લક્ષ્યાંક USD 52 બિલિયન છે.

ભારતના જ્વેલરી લેન્ડસ્કેપમાં ગુજરાત નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને રાજ્ય વિશ્વના પ્રોસેસ્ડ હીરાનો 72% હિસ્સો ધરાવે છે. ગુજરાતમાં 450થી વધુ સંગઠિત જ્વેલરી ઉત્પાદકો, આયાતકારો અને નિકાસકારો છે. ગુજરાતના સુરત, અમદાવાદ અને રાજકોટ મુખ્ય ક્લસ્ટર તરીકે ઉભરી આવ્યા છે, જેમાં સુરત હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક પાવરહાઉસ છે. આજે વિશ્વના 10માંથી 8 હીરા ગુજરાતમાં પ્રોસેસ થાય છે, અને તે રીતે ભારતની કુલ હીરાની નિકાસમાં રાજ્યનો હિસ્સો 80% છે. ગુજરાતના અંદાજિત 90% હીરાનું પ્રોસેસિંગ સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવે છે, જે 9 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે, અને સુરતને ‘સિલ્કી સિટી સ્પાર્કલિંગ વિથ ડાયમંડ’નું બિરૂદ આપવામાં આવ્યું છે.

હીરા ઉદ્યોગની વધતી જતી માંગને પહોંચી વળવા, ગુજરાત સરકારે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ (DREAM) સિટીની સ્થાપના કરી, જેમાં સુરત ડાયમંડ બુર્સ (SDB) પણ આવેલું છે. SDB ભારતનું બીજું હીરા વેપારનું હબ છે, અને કદમાં પેન્ટાગોનથી પણ મોટું છે, જે 1,50,000 લોકોને સીધી રોજગારી આપે છે. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે સુરતની પ્રતિબદ્ધતા ભારતીય ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI)માં સ્પષ્ટ થાય છે, જે હીરાના પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં સ્પેશિયલાઇઝેશન કોર્સ ઓફર કરે છે. 32,000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની સાથે, IDI વૈશ્વિક ગુણવત્તાના ધોરણો જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

હીરા ઉદ્યોગની બદલાતી ગતિશીલતાને ઓળખીને, ગુજરાત સરકાર લેબ-ગ્રોન ડાયમંડ (LGD) ક્ષેત્રને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. જેમ જેમ કુદરતી હીરાનો વૈશ્વિક પુરવઠો ઘટતો જાય છે, તેમ તેમ માંગમાં વધારો થવાની અપેક્ષા છે, અને લેબ ગ્રોન ડાયમંડ્સ આ ખાડાને પૂરવા માટે સજ્જ છે. રાજ્ય લેબ ગ્રોન ડાયમંડના ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સપોર્ટ અને કૌશલ્ય વિકાસ સહિતની પહેલોનું નેતૃત્વ કરી રહ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની ભાવિ વૃદ્ધિ મોટા રિટેલર્સ/બ્રાન્ડ્સ દ્વારા સંચાલિત થાય તેવી અપેક્ષા છે, કારણ કે સ્થાપિત ખેલાડીઓ જ બજારને માર્ગદર્શન આપે છે. સોનાની આયાત પરના નિયંત્રણોમાં છૂટછાટ અને સોનાના ભાવમાં સ્થિરતાથી જ્વેલર્સ માટે વોલ્યુમમાં વૃદ્ધિ થવાની ધારણા છે. વધુમાં, 5G તકનીકોથી લઈને તબીબી પ્રક્રિયાઓ સુધી લેબ-ગ્રોન ડાયમંડની વધતી જતી ઔદ્યોગિક એપ્લિકેશનો, લેબ ગ્રોન ડાયમંડ ક્ષેત્ર માટે ઉજ્જવળ ભવિષ્યને દર્શાવે છે.

જાન્યુઆરી 2024માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે ગુજરાત સરકાર દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય આ સેક્ટર માટે વ્યૂહરચના, વિઝન અને એક્શન પ્લાન, ટેક્નોલોજીની ભૂમિકા અને આ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાતના યોગદાન અંગેના નિર્ણાયક પાસાંઓને સમજવાનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code