1. Home
  2. ગુજરાતી
  3. ભારતનું વધતું સંરક્ષણ બજેટ અર્થતંત્રને આપશે નવી ગતિ: IMF
ભારતનું વધતું સંરક્ષણ બજેટ અર્થતંત્રને આપશે નવી ગતિ: IMF

ભારતનું વધતું સંરક્ષણ બજેટ અર્થતંત્રને આપશે નવી ગતિ: IMF

0
Social Share

વોશિંગ્ટન, 9 એપ્રિલ 2026: વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે ભારતની સંરક્ષણ નીતિઓને લઈને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) દ્વારા મહત્ત્વનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. આઈએમએફના તાજા અહેવાલ મુજબ, ભારત દ્વારા જે રીતે ઘરેલું સંરક્ષણ ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, તે દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. જ્યારે સૈન્ય પાછળ કરવામાં આવતો ખર્ચ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે, ત્યારે તેનાથી ઉત્પાદન વધે છે અને રોજગારીની નવી તકો સર્જાય છે.

આઈએમએફના અહેવાલમાં જણાવાયું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં વધતો ખર્ચ ટૂંકા ગાળામાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપી શકે છે. તેનાથી બજારમાં રોકાણ અને વપરાશ બંનેમાં વૃદ્ધિ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, જ્યારે સંરક્ષણ ખર્ચ વિદેશી આયાતને બદલે ઘરેલું ઉત્પાદન પર આધારિત હોય ત્યારે તેનો ફાયદો બમણો થઈ જાય છે. ભારત અત્યારે આ જ દિશામાં આગળ વધી રહ્યું છે, જેમાં વિદેશી હથિયારો પરની નિર્ભરતા ઘટાડીને ખાનગી કંપનીઓ અને જોઈન્ટ વેન્ચર્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

રિપોર્ટમાં ‘ડિફેન્સ સ્પેન્ડિંગ મલ્ટિપ્લાયર’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે દેશો હથિયારોની આયાત પર વધુ નિર્ભર છે, તેમને સંરક્ષણ પાછળ ખર્ચેલા નાણાંનો આર્થિક ફાયદો ઓછો મળે છે કારણ કે તે રકમ વિદેશમાં જતી રહે છે. પરંતુ ભારત માટે આ સ્થિતિ સાનુકૂળ છે કારણ કે ભારત હવે લોકલ મેન્યુફેક્ચરિંગ અને સ્વદેશીકરણ પર જોર આપી રહ્યું છે. તેનાથી માંગ દેશની અંદર જ જળવાઈ રહે છે, જે આર્થિક આઉટપુટમાં સીધો વધારો કરે છે.

આઈએમએફએ ચેતવણી પણ આપી છે કે સંરક્ષણ ખર્ચમાં અતિશય અને અચાનક વધારો થવાથી નાણાકીય ખાધ વધી શકે છે. ખર્ચમાં મોટો વધારો થવાથી નાણાકીય ખાધ જીડીપીના 2.6 ટકા સુધી વધી શકે છે. ત્રણ વર્ષમાં જાહેર દેવું અંદાજે 7 ટકા જેટલું વધી શકે છે. સંઘર્ષના સમયમાં જ્યારે દેવું વધે છે ત્યારે સામાજિક કલ્યાણના ખર્ચમાં કાપ મૂકવો પડી શકે છે. હાલમાં વિશ્વના લગભગ 40 ટકા દેશો તેમની જીડીપીના 2 ટકાથી વધુ રકમ સંરક્ષણ પાછળ ખર્ચે છે. નાટો દેશોએ તો 2035 સુધીમાં આ ખર્ચ વધારીને 5 ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારત હાલમાં તેની જીડીપીના આશરે 2 ટકા જેટલો ખર્ચ સંરક્ષણ પર કરે છે.

આઈએમએફના વિશ્લેષણ મુજબ, જે દેશોનું સ્થાનિક સંરક્ષણ માળખું મજબૂત છે, તેઓ સૈન્ય પાછળના ખર્ચને આર્થિક વિકાસમાં ફેરવવામાં સફળ રહેશે. ભારતની વર્તમાન નીતિઓ તેને આ બાબતે અન્ય દેશોની સરખામણીએ વધુ સુરક્ષિત અને ફાયદાકારક સ્થિતિમાં મૂકે છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન ખાસ મિત્ર તુર્કી, અઝરબૈજાન અને બાંગ્લાદેશ સાથેના સંબંધો સુધારવાના ભારતના પ્રયાસો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code