નવી દિલ્હી, 14 મે 2026: વિશ્વ જ્યારે અત્યંત અસ્થિરતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે માત્ર સૈન્ય શક્તિ કે આર્થિક પ્રતિબંધો ઉકેલ લાવી શકતા નથી. નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો પક્ષ રાખતા પશ્ચિમ એશિયા, આતંકવાદ, સમુદ્રી સુરક્ષા અને સંયુક્ત રાષ્ટ્ર માં સુધારા અંગે અનેક મહત્વના સંદેશા આપ્યા હતા.
જયશંકરના નિવેદનમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ કેન્દ્રસ્થાને રહી હતી. તેમણે હોર્મુઝની ખાડી અને લાલ સમુદ્રનો ઉલ્લેખ કરતા ચેતવણી આપી હતી કે, સમુદ્રી માર્ગોમાં અવરોધ અને ઉર્જા માળખા પરના જોખમો સમગ્ર વિશ્વની આર્થિક સ્થિરતાને હચમચાવી શકે છે. ઈરાન સંકટ અને ખાડી દેશોમાં વધતા તણાવ વચ્ચે ભારતે સુરક્ષિત અને અવરોધ વિનાના સમુદ્રી વહન પર ભાર મૂક્યો હતો.
ભારતે ગાઝાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ત્યાં સર્જાયેલા માનવીય સંકટને નજરઅંદાજ કરી શકાય નહીં. ભારતે તાત્કાલિક સીઝફાયર, માનવીય સહાય અને ‘ટુ-નેશન થિયરી’ (બે રાષ્ટ્ર સિદ્ધાંત) માટે પોતાનું સમર્થન દોહરાવ્યું હતું. આ ઉપરાંત લેબનોન, સીરિયા, સુદાન અને લિબિયાની અસ્થિરતા વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા માટે જોખમ હોવાનું જણાવ્યું હતું.
વિદેશ મંત્રીએ કોઈપણ દેશનું નામ લીધા વિના પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા એકતરફી પ્રતિબંધો પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર વિરુદ્ધના દંડનાત્મક પગલાં વિકાસશીલ દેશોને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. દબાણની રાજનીતિ ક્યારેય સંવાદનો વિકલ્પ બની શકે નહીં.
સીમા પારના આતંકવાદ પર કડક વલણ અપનાવતા જયશંકરે કહ્યું કે, આતંકવાદ આંતરરાષ્ટ્રીય સંબંધોના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ એ વૈશ્વિક ધોરણ હોવું જોઈએ. ભારતનું આ નિવેદન પડોશી દેશો દ્વારા ફેલાવવામાં આવતા આતંકવાદના સંદર્ભમાં અત્યંત મહત્વનું મનાય છે.
વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વર્તમાન વૈશ્વિક પડકારો સાબિત કરે છે કે બહુપક્ષીય વ્યવસ્થા નબળી પડી રહી છે. યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) માં સુધારા હવે ટાળી શકાય તેમ નથી. ભારત લાંબા સમયથી સ્થાયી સભ્યપદની માંગ કરી રહ્યું છે અને બ્રિક્સના મંચ પરથી આ માંગ ફરી બુલંદ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ દિલ્હી સરકારી કચેરીઓ અઠવાડિયામાં બે દિવસ ઘરેથી કામ કરશે: સીએમ રેખા ગુપ્તા


