1. Home
  2. ગુજરાતી
  3. યુએન સુરક્ષા પરિષદમાં ભારતની મજબૂત દાવેદારી: બે-સ્તરીય સભ્યપદનો વિરોધ
યુએન સુરક્ષા પરિષદમાં ભારતની મજબૂત દાવેદારી: બે-સ્તરીય સભ્યપદનો વિરોધ

યુએન સુરક્ષા પરિષદમાં ભારતની મજબૂત દાવેદારી: બે-સ્તરીય સભ્યપદનો વિરોધ

0
Social Share

ન્યૂયોર્ક, 15 એપ્રિલ 2026: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. તાજેતરમાં યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે ભારતના પક્ષને મજબૂતીથી રજૂ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, ભારત ‘બે-સ્તરીય’ કાયમી સભ્યપદના પ્રસ્તાવનો સખત વિરોધ કરે છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે સુરક્ષા પરિષદમાં વાસ્તવિક સુધારા ત્યારે જ ગણાશે જ્યારે નવા સભ્યોને પણ વીટો પાવર સાથે કાયમી શ્રેણીમાં સામેલ કરવામાં આવે.

કેટલાક દેશો દ્વારા એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે નવા કાયમી સભ્યોની એક એવી શ્રેણી બનાવવી જેમાં તેમને બેઠક તો કાયમી મળે પરંતુ હાલના P5 (અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુકે) દેશોની જેમ ‘વીટો પાવર’ ન મળે. ભારત આને અસમાનતા માને છે. પી. હરીશે જણાવ્યું હતું કે, “વીટો સિસ્ટમ અને સભ્યપદના માળખામાં સુધારાની તાતી જરૂર છે. 80 વર્ષ પહેલાં બનેલું આ માળખું આજની બદલાતી ભૂ-રાજકીય વાસ્તવિકતાઓને અનુરૂપ નથી.”

ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન (G4 જૂથ) એ સુધારા માટે એક લવચીક અભિગમ અપનાવ્યો છે. બ્રાઝિલના પ્રતિનિધિ નોર્બર્ટો મોરેટીના પ્રસ્તાવ સાથે સહમતી દર્શાવતા ભારતે જણાવ્યું હતું કે, નવા કાયમી સભ્યોને વીટો પાવર મળવો જોઈએ. જોકે, વાટાઘાટોમાં સુગમતા લાવવા માટે ભારત 15 વર્ષ સુધી વીટોના ઉપયોગને મુલતવી રાખવાના પ્રસ્તાવ પર સંમત છે. 15 વર્ષની સમીક્ષા બાદ આ અંગે આખરી નિર્ણય લઈ શકાય છે.

પી. હરીશે આંકડાકીય વિશ્લેષણ રજૂ કરતા કહ્યું કે, 1960ના દાયકામાં જ્યારે બિન-કાયમી સભ્યોની સંખ્યા વધારવામાં આવી, ત્યારે વીટો ધારક કાયમી સભ્યો અને બિન-કાયમી સભ્યોનો ગુણોત્તર 5:6 થી બદલાઈને 5:10 થઈ ગયો હતો. આનાથી વીટો ધરાવતા દેશોની સંબંધિત શક્તિમાં વધારો થયો છે. જો હવે પછીના સુધારામાં વીટો પાવર સાથે નવા સભ્યો ઉમેરવામાં નહીં આવે, તો આ અસંતુલન વધુ વકરશે. “સુરક્ષા પરિષદના સાચા લોકશાહીકરણ અને વાસ્તવિક સુધારા માટે વીટો પાવર સાથે કાયમી શ્રેણીનો વિસ્તાર કરવો અનિવાર્ય છે.”

પાકિસ્તાન અને ઇટાલી જેવા દેશો દાવો કરી રહ્યા છે કે વધુ દેશોને વીટો પાવર આપવાથી કાઉન્સિલ નબળી પડશે. આના જવાબમાં G4 જૂથ વતી જણાવાયું હતું કે વધુ કાયમી સભ્યોના ઉમેરાથી કાઉન્સિલની ગતિશીલતા બદલાશે અને તે વધુ પ્રતિનિધિત્વ ધરાવતી અને લોકશાહી બનશે. ભારતે ચિંતા વ્યક્ત કરી હતી કે કાયમી સભ્યો ઘણીવાર વૈશ્વિક હિતોને બદલે પોતાના રાષ્ટ્રીય હિતો માટે વીટોનો ઉપયોગ કરે છે. 2022માં પસાર કરાયેલા ઠરાવ (76/262) છતાં, વીટોના ઉપયોગ પર કોઈ અસરકારક અંકુશ લાવી શકાયો નથી. જ્યાં સુધી યુએન ચાર્ટરમાં સ્પષ્ટ સુધારો કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ સ્થિતિમાં સુધારો શક્ય નથી.

આ પણ વાંચોઃ તબીબી ક્ષેત્ર માત્ર વ્યવસાય નહીં, માનવતાની સેવા કરવાનો માર્ગ છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code