નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોનું સંકટ હજુ ટળ્યું નથી. સંસદમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીના આશ્વાસન છતાં, બુધવારે પણ 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરલાઈનમાં ચાલી રહેલી અંધાધૂંધીને કારણે સરકારે હવે ઈન્ડિગોની કામગીરી સ્થિર ન થાય ત્યાં સુધી તેની ફ્લાઈટ શિડ્યુલમાં 10 ટકાનો કાપ મૂકવાનો આદેશ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ સંસદમાં જણાવ્યું હતું કે, સ્થિતિ સુધરી રહી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આ દાવા વચ્ચે પરિસ્થિતિ હજુ સામાન્ય થઈ નથી. મંગળવારે 400થી વધુ ફ્લાઈટ્સ રદ થયા બાદ, આજે સતત બીજા દિવસે પણ 300થી વધુ ઉડાનો રદ થતા હજારો મુસાફરો અટવાયા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (DGCA) અને સરકારની કડક દેખરેખ છતાં ઓપરેશન્સ થાળે પડતા સમય લાગશે. સરકારે ઈન્ડિગોને ફ્લાઈટ ઓપરેશન્સમાં 10 ટકા કાપ મૂકવાનો આદેશ આપ્યો હોવાથી, જે મુસાફરોએ અગાઉથી બુકિંગ કરાવ્યું છે તેમને આગામી થોડા મહિનાઓ સુધી અસર થઈ શકે છે.
વર્તમાન અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જે એનુસાર મુસાફરોએ એરપોર્ટ જવા માટે ઘરેથી નીકળતા પહેલા તેમની ફ્લાઈટનું લાઈવ સ્ટેટસ ચેક કરી લેવું. છેલ્લી ઘડીએ ફ્લાઈટના સમયમાં ફેરફાર અથવા રદ થવાની શક્યતાઓ રહેલી છે.
પાયલટ અને ક્રૂ મેમ્બર્સ માટેના નવા નિયમો (FDTL) લાગુ થયા બાદ ઈન્ડિગોના મેનેજમેન્ટમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ છે. અત્યાર સુધીમાં કુલ 4000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. મંત્રાલયે ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સને તલબ કર્યા હતા, જેમણે માહિતી આપી હતી કે 6 ડિસેમ્બર સુધી રદ થયેલી ફ્લાઈટ્સના મુસાફરોને 100 ટકા રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.


