ઇન્દોર: દૂષિત પાણીથી મોતના મામલે મ્યુનિસિપલ કમિશનરની બદલી
ઈન્દોર, 3 જાન્યુઆરી 2026: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણી પીવાના કારણે અનેક લોકોના કરુણ મોતના મામલે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે નગર નિગમની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ મુખ્યમંત્રી મોહન યાદવના આદેશથી નગર નિગમ કમિશનર દિલીપ કુમાર યાદવને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને હવે ક્ષિતિજ સિંઘલને ઇન્દોરના નવા નિગમ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણીના કારણે ડાયરિયા અને ઉલ્ટી-દસ્તના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોનો દાવો છે કે દૂષિત પાણીને કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. જોકે, આરોગ્ય વિભાગ દ્વારા મૃત્યુઆંક અંગે સત્તાવાર પુષ્ટિ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે.
મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી સોશિયલ મીડિયા દ્વારા એક્શનની જાણકારી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, “જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કે બેદરકારી દાખવનાર કોઈપણ અધિકારીને બક્ષવામાં આવશે નહીં.” સીએમએ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને રાજ્યના અન્ય 16 નગર નિગમોના મેયર અને કમિશનરો સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક કરીને જળ વિતરણ વ્યવસ્થા પર કડક દેખરેખ રાખવા આદેશ આપ્યા છે.


