
પ્રદેશ યુથ કોંગ્રેસની ચૂંટણીમાં ઈન્દ્રવિજયસિંહ અને હાર્દિક પટેલના ગ્રુપ આમને-સામને
અમદાવાદ: પ્રદેશ કોંગ્રેસમાં જુથવાદને લીધે હાઈકમાન્ડ પણ નિર્ણય લેવામાં વિલોબ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીને ભલે સવા વર્ષ જેટલો સમય બાકી હોય, પણ કોંગ્રેસના આંતરિક ઝઘડા હજી શાંત નથી થઈ રહ્યા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સામે અનેક નેતાઓને નારાજગી છે. ત્યારે હવે યૂથ કોંગ્રેસની ચૂંટણીમાં પણ બે ગ્રુપ પડી ગયા છે. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને હાર્દિક પટેલના ગ્રુપ આમને સામને છે. બન્નેએ પોતાના માનીતા ઉમેદવારને યુથ પ્રમુખનું પદ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ યૂથ કોંગ્રેસની ચૂંટણી માટે ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને હાર્દિક પટેલના ગ્રુપ આમને-સામને આવી ગયા છે. યૂથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવવા બંને ગ્રૂપ એડીચોટીનુ જોર લગાવી રહ્યાં છે. કોંગ્રેસમાં હાલ યૂથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. ચૂંટણી માટે કોંગ્રેસના બે ગ્રુપ પડ્યા છે. એક તરફ ઈન્દ્રવીજયસિંહ ગોહિલનું ગ્રૂપ અને બીજી તરફ હાર્દિક પટેલ ગ્રુપ આમને-સામને આવી ગયુ છે. બંને ગ્રુપ પોતાના ઉમેદવારને યુથ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ બનાવવા મક્કમ છે.
કહેવાય છે કે, ઋતુરાજ ચુડાસમા, જયેશ દેસાઈ અને અભય જોટવા ઇન્દ્રવીજયસિંહ ગ્રુપના ઉમેદવાર છે. જ્યારે વિશ્વનાથસિંહ વાઘેલા હાર્દિક પટેલ ગ્રુપના ઉમેદવાર છે. ટોપ-3 માં આવનારા આ સભ્યોના દિલ્હીમાં ઈન્ટરવ્યુ થશે. ઈન્ટરવ્યુ બાદ ગુજરાતના યૂથ કોંગ્રેસના પ્રમુખની જાહેરાત થશે. 15 દિવસમાં 1.82 લાખથી વધુ યૂથ કોંગ્રેસના સભ્યો બનાવ્યા છે. એક સભ્યની નોંધણી ફી 50 રૂપિયા ફી ભર્યા બાદ જ સભ્ય મતદાન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવાઈ છે.