
ભાવનગરઃ મેઘરાજાને ખમૈયા કરો, વાદળિયા વાતાવરણથી પાકમાં જીવાંતોનો ઉપદ્રવ વધતા ખેડુતો ચિંતિત
ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. એટલે ખેડુતો મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાથના કરી રહ્યા છે.ખેતીવાડી આધારીત ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખરીફ સીઝનમાં થયેલ કુલ 4,18,000 હેકટરનાં અંદાજીત 94 ટકા વાવેતરમાં મુખ્યત્વે મગફળી, કપાસ, બાજરી સહિતના થયેલા વાવેતરમાં શરૂઆતમાં ખેંચાયેલા વરસાદમાં પાકની સ્થિતિ માંડ માંડ બચે તેવી રહી હતી પણ રહી રહીને વરસેલા ધીમા છતા સતત વરસાદ અને વાદળીયા વાતાવરણને કારણે રોગ જીવાતોનો ઉપદ્રવ વધતા એકંદર ખેડૂતો પાક બચાવવા માટે અસંમજસ સ્થિતિમાં આવી ગયા છે. આ બાબતે મોટાભાગનાં ખેડૂતો હવે વરસાદ થંભી જાય અને સૂર્ય પ્રકાશનો પ્રભાવ વધે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહયા છે. આ માસના આરંભે ભાવનગર જિલ્લામાં સરેરાશ વરસાદ 286 મીમી હતો તે છેલ્લા 23 દિવસમાં 200 મીમી વધીને 486 મીમી થઇ ગયો છે.
જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા પંથકમાં સતત વરસાદ પડવાના કારણે પાક નિષ્ફળ જાય તેમ છે સતત વરસાદ પડવાના કારણે કપાસના પણ ઝીંડવા ખરવા લાગ્યા છે આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે તેમજ કપાસના પાકમા ઈયળોનો ઉપદ્રવ વધ્યો અને મગફળીનો પાક પીળો પડવા અને સડવા લાગ્યો છે. મગફળીનો પાક વાવ્યાને સાડા ત્રણથી ચાર મહિના જેવો સમય થઈ ગયો છે .છેલ્લા દિવસોમાં સતત વરસાદ પડવાના કારણે ખેડૂતો તેમના ખેતરમાંથી તૈયાર પાક લઈ શકતા નથી અને કેટલાક ખેડૂતોએ મગફળીનો પાક ખેંચી કાઢયો છે અને ખેતરોમાં ખુલ્લો પડ્યો છે. પાલીતાણા તાલુકામાં ગયા વર્ષની માફક આ વરસ પણ હવે સતત વરસતા વરસાદથી તમામ પ્રકારના જેવા કે બાજરા , તલ , જુવારના પાક નષ્ટ થઈ ગયા છે. કપાસમાં પણ વધુ વરસાદના કારણે સુકારા જેવો રોગચાળો આવ્યો છે તેમજ મગફળીમાં પણ ફૂગ આવવાથી તે પણ સદંતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે.ગયા વર્ષે પણ અતિવૃષ્ટિ થી ખેડૂતોને વરસ નિષ્ફળ ગયું હતું , વાવાઝોડામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પણ લીંબુ , દાડમ , જામફળ , સીતાફળ , આંબા ના તમામ વૃક્ષોને નુકસાન થયું હતું.
ગોહિલવાડ પંથકમાં હાલમાં વરસી રહેલ વરસાદ સાથે પવનની ગતિ પણ તેજ હોય તેના કારણે કપાસનો પાક ઢળી પડયો છે, તેથી પાછોતરો વરસાદ ખેતીમાં ફાયદા કરતા નુકશાન વધુ થશે જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં ખુબજ સારો વરસાદ હતો જેના કારણે કપાસ તેમજ અન્ય પાકો ખૂબજ સારા પ્રમાણમાં ફુલો ફાલ્યો હતો પરંતુ થોડા દિવસમાં જે રીતે વરસાદ પડયો અને હવે પછી પણ જો આવો જ વરસાદ પડશે તો કપાસ તેમજ અન્ય પાકોમાં નુકશાન થશે તેમ ખેડુતો જણાવી રહ્યા છે. જ્યારે ગારિયાધાર તાલુકામાં હાલ સતત વરસાદ વરસતા તલ.બાજરો.કપાસના પાકમા ભારે નુકસાની થઈ છે.ખેતરમાં પાણી ભરાતા તલ.કપાસના છોડમાં સુકારો આવી જવાથી સંપુર્ણ પાક નિષ્ફળ થયો છે.