નવી દિલ્હી, 28 ઓગસ્ટ 2026: દેશમાં તહેવારોના મુખ્ય પ્રમુખ સિઝન શરૂ થાય તે પહેલાં જ ખાંડની સપ્લાયમાં ઘટાડો થવાને કારણે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. ડી-માર્ટ જેવા રિટેલર્સ અને બિગબાસ્કેટ, બ્લિંકીટ તથા સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સે ગ્રાહકો માટે ખાંડની ખરીદી પર પ્રતિબંધો અથવા મર્યાદાઓ લાદવાનું શરૂ કરી દીધું છે. સપ્લાય ઘટવાને કારણે છેલ્લા બે મહિનામાં છૂટક કિંમતોમાં 40 ટકા સુધીનો જબરદસ્ત વધારો નોંધાયો છે, જેને કારણે કેટલાક રિટેલર્સે ગ્રાહક દીઠ ખરીદી માત્ર 3 થી 5 કિલો સુધી જ મર્યાદિત કરી દીધી છે.
આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે પેકેજ્ડ ફૂડ બનાવતી કંપનીઓ માત્ર ખાંડ જ નહીં, પરંતુ ખાદ્ય તેલની ઊંચી કિંમતોનો પણ સામનો કરી રહી છે. આ વધતા ખર્ચને કારણે કંપનીઓના નફા પર ભારે દબાણ વધી ગયું છે, જોકે આ સમય દરમિયાન બજારમાં માંગ સામાન્ય રીતે સૌથી વધુ રહેતી હોય છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે મેન્યુફેક્ચર્સ કિંમતોમાં ઓછામાં ઓછા 5 થી 6 ટકા સુધીનો વધારો કરવાની તૈયારી કરી રહ્યા છે. દેશની એક અગ્રણી સ્નૅક ફૂડ કંપનીના વડાએ જણાવ્યું કે, ઉત્પાદન ખર્ચ વધવાને કારણે અમારી પાસે કિંમતો 5 ટકા વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
શરુઆતના અંદાજો કરતા ખાંડનું ઓછું ઉત્પાદન થવું, અગાઉ 8,00,000 ટન ખાંડની નિકાસ થવી, કેટલાક બ્રોકર્સ અને વચેટિયાઓ દ્વારા કથિત સંગ્રહખોરી અને ઈન્ડિયન શુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચર્સ એસોસિએશન જેવા વિવિધ ઉદ્યોગ જૂથોના ખોટા ઉત્પાદન અનુમાનોના કારણે ખાંડની કિંમતમાં ચિંતાજનક રીતે વધારો થયાનું વિશ્લેષકો માની રહ્યાં છે. વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે સરકારે ગત અઠવાડિયે 10 લાખ ટન ખાંડની આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. અહેવાલ મુજબ, ગ્રાહકોને પૂરતો જથ્થો મળી રહે તે માટે રિટેલ અને ઈ-કોમર્સ કંપનીઓ સ્ટોકને 1 કિલોના બે-ત્રણ પેક અથવા 5 કિલોના એક પેક સુધી મર્યાદિત કરી રહી છે.
-
ઈ-કોમર્સી કંપનીઓએ કર્યું આગોતરુ આયોજન
બ્લિંકીટ: દિલ્હી-NCR અને પુણેમાં બ્લિંકીટે માવાના અને ધામપુર જેવા બ્રાન્ડ્સ માટે ગ્રાહક દીઠ 5 કિલો અથવા 1-1 કિલોના ત્રણ જ પેક ખરીદવાની મર્યાદા નક્કી કરી છે અને સાથે ડિસ્ક્લેમર આપ્યું છે કે આઈટમ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે.
બિગબાસ્કેટ : કેટલાક ખાસ બ્રાન્ડ્સ માટે 1-1 કિલોના પાંચ પેક સુધીની મર્યાદા નક્કી કરાઈ છે.
સ્વિગી ઇન્સ્ટામાર્ટ : સુપ્રીમ હાર્વેસ્ટ અને મધુર શુગર માટે 1-1 કિલોના બે જ પેક ખરીદવાની મર્યાદા મૂકવામાં આવી છે.
ડી-માર્ટ : પુણેના સ્ટોર પર બોર્ડ લગાવીને સ્પષ્ટ કરાયું છે કે એક ઇનવોઇસ પર માત્ર 5 કિલો ખાંડ જ ખરીદી શકાશે.
-
નિકાસ ઉપર પ્રતિબંધ
સરકારે અગાઉ સરપ્લસ સ્ટોકની આશાએ 2 મિલિયન ટન ખાંડની નિકાસની મંજૂરી આપી હતી, પરંતુ ઘરેલુ બજારમાં ભાવ વધતા મે મહિનામાં નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. મિલ-સ્તર પર ખાંડના ભાવ જૂનના પ્રથમ સપ્તાહમાં પ્રતિ કિલો રૂપિયા 41 થી વધીને રૂપિયા 65 સુધી પહોંચી ગયા હતા, જે સરકારી હસ્તક્ષેપ બાદ આ અઠવાડિયે ઘટીને રૂપિયા 58 પ્રતિ કિલો પર આવ્યા છે. હવે રક્ષાબંધન જેવા મોટા તહેવારો નજીક છે ત્યારે પેકેજ્ડ ફૂડ કંપનીઓ વધેલા ભાવનો બોજ ગ્રાહકો પર નાખવા માટે મજબૂર બની છે.


