1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ આઇકોનિક સ્થળોએ ડિજિટલ રિવર્સ કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવાઈ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ આઇકોનિક સ્થળોએ ડિજિટલ રિવર્સ કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવાઈ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ આઇકોનિક સ્થળોએ ડિજિટલ રિવર્સ કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવાઈ

0
Social Share

વિશ્વના ખૂણે-ખૂણે આજે યોગ અને યોગાભ્યાસ લોકપ્રિય બની વાયુવેગે પ્રચલિત થઇ રહ્યો છે, અને સમગ્ર વિશ્વને આ યોગની ભેટ આપણા ભારત દેશે આપી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાનો અમૂલ્ય ભાગ છે. ભારતીય યોગ પ્રણાલી અને તેના લાભ અંગે વૈશ્વિક સ્તરે લોક જાગૃતતા લાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે સવિસ્તૃત ચર્ચા કરી, અને ઉત્તરી ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ ૨૧મી જૂન હોવાથી આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવા માટે સૂચન કર્યું હતું. જેમાં વિશ્વના મોટાભાગના દેશોએ સહમતી દર્શાવીને વર્ષ ૨૦૧૫થી દરવર્ષે ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

દરેક ક્ષેત્રે આગવા અભિગમ સાથેની નવતર પહેલ સાથે ગુજરાત હરહંમેશથી અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે. યોગને પ્રોત્સાહન આપી ગામો-ગામ સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૯માં દેશના સૌપ્રથમ યોગ બોર્ડની સ્થાપના કરી હતી. આગામી ૨૧મી જૂનના રોજ ગુજરાતમાં સુરત ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થશે. પરંતુ આ ઉજવણીના છ મહિના અગાઉથી જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહિત કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સમગ્ર રાજ્યના માહોલને યોગમય બનાવવામાં આવ્યો છે.

આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં જાન્યુઆરી-૨૦૨૩થી જ વિવિધ સ્પર્ધા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વપ્રથમ ૧૪ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે યોગ બોર્ડ દ્વારા સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવાયેલા સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં એક જ સમયે સમગ્ર રાજ્યના ૭૫ આઇકોનિક સ્થળો ખાતે ઉપસ્થિત રહી ૮૫૦૦થી વધુ લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા.

રાજ્યના યોગાભ્યાસ કરતા યોગીઓ અને યોગીનીઓને પ્રોત્સાહિત કરવા યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦ જાન્યુઆરી થી ૧૨ ફેબ્રુઆરી સુધી ચાલેલી જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં ૯ વર્ષથી વધુ વય ધરાવતા ૫૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી દરેક જિલ્લામાંથી વિજેતા થયેલા ૬ સ્પર્ધકોની ઝોન કક્ષા માટે પસંદગી કરાઈ હતી. ૨૨ ફેબ્રુઆરીથી ૧ માર્ચ દરમિયાન યોજાયેલી ઝોન કક્ષાની સ્પર્ધામાં ૧૯૫ સ્પર્ધકોએ યોગાસનોનું પ્રદર્શન કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઝોન કક્ષામાં પણ વિજેતા બનેલા ૬ સ્પર્ધકોની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરી રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

ગુજરાતના રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ૧૫મી માર્ચના રોજ ઝોન કક્ષાએ વિજેતા થયેલા ૪૮ સ્પર્ધકો વચ્ચે રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતાને રૂ. ૫૧ હજાર, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતાને રૂ. ૩૧ હજાર અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકને રૂ. ૨૧ હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત માર્ચ માસ દરમિયાન જ યોગ દિવસના ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે ૨૨મી માર્ચના રોજ સાબરમતી રીવરફ્રન્ટ- અમદાવાદ ખાતે ‘યોગોત્સવ-૨૦૨૩’નું આયોજન કરાયું હતું.

યોગ દિવસની કાઉન્ટડાઉન ઇવેન્ટ શ્રેણીના ભાગરૂપે ૨૬મી માર્ચના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે “હર ઘર ધ્યાન – ઘર ઘર યોગ” ઇવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાના મળી કુલ ૪૧ સ્થળો ખાતે ઉપસ્થિત રહી ૨૬ હજારથી વધુ લોકોએ એક સાથે – એક સમયે યોગાભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ કોમન યોગ પ્રોટોકોલના ભાગરૂપે ૨૮મી એપ્રિલથી યોગ દિવસ એટલ કે ૨૧મી જૂન સુધી દરેક જિલ્લા-તાલુકા કક્ષાએ મળી કુલ ૧૦૦થી વધુ વિકેન્ડ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોમન યોગ પ્રોટોકોલ તાલીમ અંતર્ગત જ દરેક જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ ૪૧ મોટા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ૧૧મી મે થી અત્યાર સુધીમાં ૨૭ કાર્યક્રમો પૂર્ણ થયા છે.

યોગ અને યોગાભ્યાસ પ્રત્યે બાળકો નાનપણથી જ જાગૃત રહે અને યોગ કરતા થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાતમાં પ્રથમવાર “રમત સાથે યોગ” સમર કેમ્પનું આયોજન કરાયું હતું. ૨૧ થી ૩૦ મે દરમિયાન યોજાયેલા આ ૧૦ દિવસીય સમર યોગ કેમ્પમાં ૯૦૦૦થી વધુના રજીસ્ટ્રેશન સાથે બાળકો અને વાલીઓનો પ્રતિસાદ ખૂબ જ સારો રહ્યો હતો. ગુજરાતના ૧૦૦ સ્થળો ઉપર ઓછામાં ઓછા ૭૫ બાળકો સાથે આ સમર કેમ્પ યોજાયો હતો. વધુમાં, લોકો ની યોગ દિવસ પ્રત્યે રુચિ કેળવાય અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મહત્વ સમજાય તે માટે રાજ્યમાં ૫૦ આઇકોનિક સ્થળો ખાતે ૧૧ ફૂટ ઊંચાઈ ધરાવતી ડિજિટલ રિવર્સ કાઉન્ટડાઉન ઘડિયાળ લગાવવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં કેટલો સમય બાકી છે તે દર્શાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code