અમદાવાદમાં મેટ્રોની કામગીરીને લીધે રસ્તાઓ પર પડેલા ખાડા પાંચ દિવસમાં પુરી દેવા સુચના
અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે અનેક રોડ-રસ્તાઓની હાલત બદતર બની છે, જેમાં મેટ્રોના કામગીરીને લીધે જે રસ્તાઓને ડાયવર્ઝન અપાયું છે. તે રસ્તાઓ પર તો ઊંડા ખાડાં પડી ગયા છે. ઉપરાંત ઘણા રસ્તા અને ફૂટપાથની હાલત બદતર થઈ છે. રાજ્ય સરકારે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરના રસ્તાઓને તાત્કાલિક રીપેર કરવા અને રસ્તાના ખાડા પૂરવા સમય નિશ્ચિત કર્યો છે ત્યારે મ્યુનિ.એ પણ મેટ્રો રેલ કોર્પોરેશનને સોમવારે પત્ર લખી આગામી 10 ઓક્ટોબર સુધીમાં મેટ્રોની કામગીરીના કારણે ખરાબ થયેલા શહેરના રસ્તાઓને રીપેર કરી દેવા અલ્ટિમેટમ આપ્યું છે. ડેપ્યુટી. મ્યુનિ. કમિશનર આર.કે.મહેતાએ પશ્વિમ અમદાવાદના 12 જેટલા રૂટની યાદી તૈયાર કરી મેટ્રોના ચીફ જનરલ મેનેજરને મોકલી આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં મ્યુનિ.ના પશ્વિમ ઝોનમાં મેટ્રો રેલનું કામ પ્રગતિશીલ છે ત્યારે આ વિસ્તારના રૂટ પર રોડની હાલત ખૂબ ખરાબ સ્થિતિમાં છે. નાગરિકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ વરસાદના કારણે પણ રોડ પર ઘણી જગ્યાએ ખાડા પડ્યા હતા. મેટ્રો રેલની કામગીરીના કારણે શહેરના રોડને નુકસાન થાય તો તેનું રીપેરિંગ કામ કરી આપવા બાબતે મેટ્રો રેલ અને મ્યુનિ. વચ્ચે કરાર થયેલા છે. ગત 12મી ઓગસ્ટના રોજ મેટ્રો રેલ અને મ્યુનિ. અધિકારીઓ વચ્ચે મીટિંગ થઈ હતી. તેમાં પ્રગતિશીલ મેટ્રો રેલની સમાંતર રોડ અને ફૂટપાથનું રીપેરિંગ કામ કરવાની મેટ્રો દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી કામગીરી શરૂ જ થઈ નથી. આ હિસાબે સોમવારે સિનિયર ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર.કે.મહેતાએ મેટ્રો રેલના ચીફ જનરલ મેનેજરને પત્ર લખ્યો છે અને રોડના રીપેરિંગ કામને ત્વરિત પૂર્ણ કરવા અને ડેઇલી પ્રોગ્રેસ રિપોર્ટ કમિશનર ઓફિસમાં રજૂ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ખરાબ રોડ મુદ્દે વિધાનસભામાં પણ હોબાળો થયો હતો. (file photo)