સરકારી હોસ્પટલોમાં ઈન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલાશે : ડો. માંડવિયા
નવી દિલ્હીઃ દેશની જનતાને મફતમાં યોગ્ય સારવાર મળી રહે તેમ જ મોંઘી દવાઓ ઓછી કિંમતમાં મળી રહે તેવા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તમામ સરકારી હોસ્પિટલોમાં ઇન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલવામાં આવશે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સરકાર દેશભરની તમામ સરકારી હોસ્પિટલોમાં ઈન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટર ખોલશે. આ કેન્દ્રો આયુર્વેદ અને આધુનિક દવા બંનેનો ઉપયોગ કરીને દર્દીઓની સારવાર કરશે. ડૉ. માંડવિયાએ નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં આયુષ પ્રધાન સર્બાનંદ સોનવાલ સાથે સંયુક્ત રીતે એક સંકલિત દવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરતી વખતે આ વાત કહી.
તેમણે કહ્યું કે, કોઈપણ દેશ ત્યારે જ સમૃદ્ધ થશે જ્યારે તેના લોકો સ્વસ્થ હશે. આયુષ મંત્રી સર્બાનંદ સોનવાલે જણાવ્યું હતું કે, આરોગ્ય અને આયુષ મંત્રાલય બંનેએ આયુર્વેદ અને આધુનિક દવા દ્વારા ઈન્ટિગ્રેટિવ મેડિસિન સેન્ટરમાં દર્દીઓને વધુ સારી આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડવા માટે હાથ મિલાવ્યા છે.