Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેન્ગના નેટવર્કનો પડદાફાશ, નાઈજિરિયન સહિત 6 શખસોની ધરપકડ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અવનવી તરકીબો અપનાવીને સાયબર ફ્રોડના ગુનાઓ વધતા જાય છે. ત્યારે શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પડદાફાશ કરીને એક નાઈજિરિયન નાગરિક સહિત 6 શખસોને દબોચી લીધા છે. આ ગેંગ સામે અમદાવાદના એક નાગરિકને હોમિયોપેથિક દવાના વેપારના બહાને રૂ.32 લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. પોલીસે મુંબઈ અને બેંગલુરુથી નાઇજિરિયન નાગરિક મેડુફોર સ્ટીવ ઉઝોચી સહિત કૃષ્ણમતી ચૌધરી, મહેશ ચૌધરી, સલીમ શેખ, ત્રિજુગીલાલ કુર્મી અને રાજેશકુમાર સરોજની ધરપકડ કરી છે.

શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા મુજબ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી નિહાર વર્માનો કેટલાક શખ્સોએ આફ્રિકન ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓનલાઇન સંપર્ક કર્યો હતો. તેમણે દાવો કર્યો કે તેઓ ભારતમાં ‘યુપેટોરિયમ મર્કોલા લિક્વિડ’ નામની હોમિયોપેથિક દવાના સપ્લાયરની શોધમાં છે, જેનો કથિત ઉપયોગ આફ્રિકામાં મેલેરિયા અને ડેન્ગ્યુની સારવારમાં થાય છે. આરોપીઓએ વર્માને એક નફાકારક બિઝનેસના પ્રસ્તાવની લાલચ આપી હતી. જેમાં તેમને શર્મા એન્ટરપ્રાઇઝ મેન્યુફેક્ચરિંગ નામના ભારતીય વિક્રેતા પાસેથી $6,500 પ્રતિ લિટરના ભાવે દવા ખરીદીને તે જ દવા ‘આફ્રિકન ખરીદદાર’ને $11,000 પ્રતિ લિટરે વેચવાની ઓફર કરાઈ હતી.

સાયબર માફિયાઓએ નિહાર વર્માને વિશ્વાસ અપાવવા માટે શર્મા એન્ટરપ્રાઇઝના સેલ્સ રિપ્રેઝન્ટેટિવ તરીકે જયદેવ નામના વ્યક્તિએ એક લિટર લિક્વિડનું પાર્સલ મોકલ્યું. નિહાર વર્મા દિલ્હીમાં એક કથિત આફ્રિકન લેબ સાયન્ટિસ્ટને પણ મળ્યા, જેણે સેમ્પલને ‘મંજૂરી’ આપી હતી. ત્યારબાદ વિશ્વાસમાં આવી નિહાર વર્માએ મોટો ઓર્ડર આપ્યો અને ઍડ્વાન્સ પેમેન્ટ તરીકે રૂ.27 લાખ આરોપીઓ દ્વારા શેર કરાયેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે, જ્યારે તેઓ કન્સાઇનમેન્ટ લેવા રાજસ્થાનના ભીલવાડા ગયા, ત્યારે તેમને જાણ થઈ કે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં નિહાર વર્માએ તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીઓની પૂછતાછ કરતા એવી વિગતો મળી છે કે, આ કૌભાંડ નાઇજિરિયન સંચાલિત સાયબર ક્રાઇમ સિન્ડિકેટ દ્વારા ચલાવવામાં આવતું હતું. આ ગેંગ સોશિયલ મીડિયા અને ઓનલાઇન કોમ્યુનિકેશન દ્વારા પીડિતોનો સંપર્ક કરી આંતરરાષ્ટ્રીય વેપારની ખોટી ઓફરો કરતી હતી. એકવાર પીડિત સંમત થાય પછી તેમને શ્રી રામ એન્ટરપ્રાઇઝ, સ્ટાર એન્ટરપ્રાઇઝ, લક્ષ્મી એન્ટરપ્રાઇઝ અને એમ. જી. એન્ટરપ્રાઇઝ જેવા નકલી નામો હેઠળ ભારતીય બૅંકોમાં ખોલાવેલા ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવી છેતરવામાં આવતા હતા. નાઇજિરિયન નાગરિક તેના સાથીદારો સલીમ શેખ, ત્રિજુગીલાલ કુર્મી અને રાજેશ સરોજ દ્વારા ટ્રાન્સફર કરવામાં રૂપિયાનો વહીવટ કરવામાં આવતો હતો. એટલું જ નહીં તેઓ ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળના લોકોને નકલી બૅંક ખાતા ખોલવા માટે ભરતી કરતા હતા.

પોલીસે જણાવ્યું કે નવી મુંબઈ સ્થિત નેપાળી દંપતી કૃષ્ણમતી અને મહેશ ચૌધરીની આ રેકેટમાં મુખ્ય ભૂમિકા હતી. તેઓ બૅંક ખાતાઓનું સંચાલન કરતા અને કમિશનના બદલામાં છેતરપિંડીથી મેળવેલા ફંડને ગેંગના અન્ય સભ્યોને ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓ એક ફર્મના નામે 12થી 15 ખાતા ખોલાવતા અને જેવી કોઈ ખાતા વિરુદ્ધ ફરિયાદ થાય કે તરત જ તેઓ બીજા શહેરમાં સ્થળાંતર કરી લેતા હતા.તપાસમાં વધુમાં બહાર આવ્યું છે કે મુંબઈ સ્થિત માસ્ટરમાઇન્ડ સલીમ શેખ અગાઉ અન્ય હેન્ડલર સાથે કામ કરતો હતો, જે નાઇજિરિયન નાગરિકોને નાણાકીય છેતરપિંડી માટે ભારતીય બૅંક ખાતા પૂરા પાડતો હતો. તેના મૃત્યુ પછી શેખે સ્વતંત્ર રીતે આ રેકેટ ચલાવવાનું શરુ કર્યું. શેખે માત્ર સાયબર ઠગ જ નહીં, પરંતુ દુબઈમાં ગેરકાયદેસર સટ્ટાબાજી અને ગેમિંગ એપ્સના ઓપરેટરોને પણ બૅંક ખાતા પૂરા પાડ્યા હોવાની શક્યતા છે,

આ ઓપરેશન દરમિયાન, પોલીસે 14 મોબાઇલ ફોન, 7 સિમ કાર્ડ, 33 ડેબિટ કાર્ડ અને નાણાકીય રૅકોર્ડની જાળવણી માટે વપરાતી બહુવિધ ડાયરીઓ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા ડેબિટ કાર્ડ્સ બૅંક ઑફ બરોડા, કેનેરા બૅંક, યસ બૅંક, સેન્ટ્રલ બૅંક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન બૅંક, સારસ્વત બૅંક અને કેટલીક સહકારી બૅંકોના ખાતાઓ સાથે જોડાયેલા હતા.આ નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવાતા બૅંક ખાતાઓ સાથે જોડાયેલી 112થી વધુ ફરિયાદો કર્ણાટક, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ અને કેરળમાં ટ્રેસ કરવામાં આવી છે. આ સિન્ડિકેટમાં સામેલ બાકીના નાઇજિરિયન સભ્યો અને ભારતીય સહયોગીઓને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Exit mobile version