
- પાકિસ્તાનમાં સ્થાનિક હિંદુઓની દરિયાદિલીનું એક દ્રષ્ટાંત જોવા મળ્યું
- સ્થાનિક હિંદુઓએ મંદિર તોડનારા કટ્ટરપંથીઓને માફ કરી દીધા
- હવે હિંદુઓએ ગુનેગારોને માફ કરીને આ મામલાને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો
નવી દિલ્હી: પાકિસ્તાનમાં સ્થાનિક હિંદુઓની દરિયાદિલીનું એક દ્રષ્ટાંત જોવા મળ્યું છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂન્ખ્વામાં મંદિરને તોડનારા કટ્ટરપંથીઓને સ્થાનિક હિંદુઓએ માફ કરી દીધા છે. સદીઓ જૂના આ મંદિરમાં ગત વર્ષે તોડફોડ બાદ આગચંપી કરાઇ હતી. જેને લઇને પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર પર આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. એટલે સુધી કે સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકારને ફટકાર લગાવીને મંદિરને ફરીથી બનાવવાનો આદેશ આપ્યો હતો. હવે હિંદુઓએ ગુનેગારોને માફ કરીને આ મામલાને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે.
એક મીડિયા અહેવાલ અનુસાર આ વિવાદને ઉકેલવા માટે શનિવારે સ્થાનિક ધાર્મિક નેતાઓ અને હિંદુ સમુદાયની બેઠક થઇ હતી. અનૌપચારિક રીતે જિરગા કહેવાતી આ બેઠકમાં આરોપીઓએ ગત વર્ષ થયેલા આ હુમલા તેમજ 1997માં ઘટેલી આવી જ એક ઘટના માટે માંફી માંગી. બીજી તરફ મુસ્લિમ ધર્મગુરુઓએ દેશના બંધારણ અનુસાર હિંદુઓ તેમજ તેમના અધિકારીઓને સંપૂર્ણ રીતે સુરક્ષા પ્રદાન કરવાનું આશ્વાસન આપ્યું. બેઠકમાં બનેલી સહમતિ અંગે સુપ્રીમ કોર્ટને જણાવાશે જેથી આરોપીઓએ જલ્દી મુક્ત કરી શકાય.
ગત વર્ષ 30 ડિસેમ્બરના રોજ પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી જમીયત ઉલેમા એ ઈસ્લામના કટ્ટરપંથીઓએ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કરક જિલ્લાના ટેરી ગામમાં બનેલા મંદિર અને તેમાં લાગેલી સમાધિમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ મંદિરમાં આગચંપી કરી હતી. સ્થાનિક ઉલેમાની સાથે બેઠક બાદ બોલતા પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના અધ્યક્ષ રમેશ કુમારે કહ્યું કે આ ઘટનાએ દુનિયાભરના હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. તહરીક એ ઈન્સાફ પાર્ટીના વિધાયક કુમારે કહ્યું કે ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી મહેમૂદ ખાનની અધ્યક્ષતામાં જિરગાની કાર્યવાહી થઈ.
બેઠક દરમિયાન સીએમ મહેમૂદ ખાને પણ હુમલાની ટીકા કરતા કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ વિસ્તારની શાંતિ માટે જોખમ છે. અત્રે જણાવવાનું કે 50 લોકોની ધરપકડ થઈ છે. ભારતે પણ આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા પાકિસ્તાન સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ખૈબર પખ્તૂનખ્વા સરકારને મંદિરના પુર્ન નિર્માણનો આદેશ આપ્યો હતો.
(સંકેત)