નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરીથી દસ્તક દીધી છે. ચીનમાં પણ કોરોના બેકાબૂ બનતા અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. અમેરિકામાં પણ કોરોના વધ્યો છે. આ વચ્ચે હવે રશિયામાં પણ કોરોના સંક્રમણ વકરી રહ્યું છે.
કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા સાવચેતીના ભાગરૂપે અને કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક સપ્તાહના લોકડાઉનની જાહેરાત કરી છે.
રશિયામાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાએ ફરીથી માથુ ઉચક્યું છે. એક જ દિવસમાં કોરનાના નવા 37,141 કેસ નોંધાયા છે અને 1046 લોકોનાં મોત નિપજ્યા છે.
દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમા રાખતા અને લોકો વેક્સિન લેવામાં આનાકાની કરતા હોવાથી પુતિને ત્યાં એક સપ્તાહની લોકડાઉન લગાવવાની ફરજ પડી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજધાની મોસ્કોના મેયર સર્જઇ સોબાયિનએ 28 ઑક્ટોબરથી તમામ બિન-જરૂરી સેવાઓને બંધ કરવાની જાહેરાત કરી છે. ફક્ત સુપરમાર્કેટ તેમજ ફાર્મા ઉદ્યોગને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. સ્કૂલો તેમજ આંગણવાડીઓને પણ બંધ કરી દેવાઇ છે.
રશિયામાં ઓછા વેક્સિનેશનને કારણે કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યું છે તેવું ક્રેમલિને કહ્યું હતું. લોકો વેક્સિન લેવામાં આનાકાની કરી રહ્યાં છે અને તેના પરિણામે કેસમાં ઉછાળો આવ્યો છે.