
કોરોનાના કહેર વચ્ચે વિશ્વના આ દેશમાં ફરીથી લોકડાઉનના ભણકારા, અહીંયા લાગૂ કરાઇ પાબંધીઓ
- ઓસ્ટ્રેલિયામાં કોરોનાના નવા વેરિએન્ટનો હાહાકાર
- ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરાયું
- રશિયામાં પણ કોરોનાના સતત વધી રહ્યા છે કેસ
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ પડકાર બની રહ્યો છે. બ્રિટન, રશિયા, સ્પેન અને ઓસ્ટ્રેલિયામાં કોરોના સંક્રમણના મામલા ફરી વધી રહ્યા છે ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કેટલીક પાબંધીઓ લાગૂ કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયામાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ગત 24 કલાકમાં ઓસ્ટ્રેલિયામાં હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવ્યા છે. સ્થિતિ નિયંત્રણ બહાર થતી જોતા હવે ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટા અને જૂના શહેર એવા સિડનીમાં કેટલીક જગ્યાઓ પર લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયા ઉપરાંત રશિયામાં પણ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રશિયામાં ગત સપ્તાહે રોજના 17 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, દેશના અનેક વિસ્તારોમાં સંક્રમણની સ્થિતિ ગંભીર છે. દુર્ભાગ્યપણે કોરોનાના કેસ ઓછા નથી થઇ રહ્યા. અનેક વિસ્તારોમા સ્થિતિ વધુ ખરાબ બની છે. રશિયામાં અત્યારસુધી 3 કરોડ લોકોને રસી અપાઇ છે.
બ્રિટનમાં પણ કોરોના હાહાકાર વર્તાવી રહ્યો છે. સતત નવા કેસ આવી રહ્યા છે. ઇંગ્લેન્ડના પબ્લિક હેલ્થ નિર્દેશક સુશાન હોપકિંસે પણ ચિંતા વ્યક્ત કરીને ચેતવણી જારી કરી છે કે, આપણે કોરોનાના નવા વેરિએન્ટના કારણે ઠંડીઓમાં લોકાડાઉન લગાવવાની નોબત આવી છે.