
કોરોના મહામારીએ લોકોના દૃષ્ટિકોણને બદલ્યો, હવે પૈસા કરતાં સંબંધો-આરોગ્યને આપે છે વધુ પ્રાધાન્ય
- કોરોના મહામારીને કારણે લોકોમાં ધન કરતાં આરોગ્યનું મહત્વ વધ્યું
- લોકો હવે ધન જ સર્વસ્વ છે તે ધારણાને ખોટી માની રહ્યાં છે
- દોલત કરતાં લોકો હવે સંબંધો-આરોગ્યને આપી રહ્યા છે વધુ પ્રાધાન્ય
નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે માનવીય જીવનને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે. સામાજીક અને આર્થિક રીતે પણ વૈશ્વિક સ્તરે પરિવર્તન જોવા મળ્યું છે. આમાં સૌથી મોટો બોધપાઠ ધનદોલતને લઇને થયેલા પરિવર્તનનો છે.
કેટલાક તાજેતરના તારણોને ધ્યાનમાં રાખતા કહી શકાય કે હવે ધનિકોને પણ ખ્યાલ આવી ગયો છે કે પૈસા જ બધુ નથી. પૈસાથી જ માત્ર આનંદ મળે તે ધારણા પણ ખોટી છે. અમેરિકા જેવા સમૃદ્વ દેશોમાં પણ હવે દોલત કરતાં લોકો સંબંધો અને આરોગ્યને વધુ મહત્વ આપતા થયા છે. સ્વાસ્થ્ય છે તો સમૃદ્વિ છે. હવે તેઓ પણ આ બાબતને સમજવા લાગ્યા છે.
અમેરિકામાં થયેલી એક મોજણીમાં 60 ટકા લોકોએ સ્વીકાર્યું કે, મહામારીએ એમને સંપત્તિના મુદ્દે એમની સમજણનું પુનર્મૂલ્યાંકન કરવાની તક આપી છે. કરવેરા અને અન્ય અનેક બાબતોની ચિંતા ઉપરાંત હવે લોકો હવે આરોગ્યની પણ સંભાળ લેતા થયા છે અને આરોગ્ય જ મહત્વની પ્રાથમિકતા બની ચૂકી છે.
બીજી તરફ ચાર્લ્સ શ્વોબર કોર્પના સર્વે અનુસાર મધ્યમવર્ગના લોકો મહામારીના પગલે દેશના અર્થતંત્રને લઇને વધુ સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતા હતા.
બોસ્ટન પ્રાઇવેટ દ્વારા હાથ ધરાયેલી મોજણીમાં જે લોકો સમાવિષ્ટ છે તે લોકો માટે દોલતનો અર્થ વધુ રોકડ નથી. પરંતુ તેઓ જે કઇ કામ કરી રહ્યા છે તેમાં સફળતા હવે તેઓનો ગુરૂમંત્ર છે. મહામારીએ આનંદ તેમજ સફળતાને ફરીથી પરિભાષિત કરવાની તક આપી છે.
આ બાબત સાથે સંમત 78 ટકા લોકો મિલેનિયલ્સ એટલે કે 1980 થી 1990નાં દાયકામાં જન્મેલા છે, જ્યારે 73 ટકા જનરેશન એક્સ એટલે કે 1965 થી 1980 ની વચ્ચે જન્મ લેનારા લોકો છે. આ જૂથે જણાવ્યું કે કોરોનાએ ભવિષ્યમાં સંપત્તિના ઉપયોગ બાબત એમની યોજના બદલી કાઢી છે.