ભારતના સંકટમાં સાઉદી અરેબિયા પણ પડખે: સાઉદીથી 80 મેટ્રિક ટન ઓક્સિજન ભારત આવશે
- કોરોનાના સંકટ સમયમાં હવે સાઉદી અરેબિયા પણ ભારતની વહારે આવ્યું
 - સાઉદી અરેબિયા ભારતને 80 મેટ્રિક ટન ઓક્સિજન આપશે
 - રિયાધ ખાતેના ભારતીય મિશને સાઉદી અરબના આરોગ્ય મંત્રાલયનો આભાર માન્યો
 
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર સૌથી વધુ ઘાતક પૂરવાર થઇ છે અને તેનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે અને ભારતમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. મહામારીના આ સમય દરમિયાન દેશના મોટા ભાગના રાજ્યો હાલ ઑક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે અને તેનાથી દેશની સ્વાસ્થ્ય પ્રણાલીને મોટું નુકસાન થવા પામ્યું છે. ઑક્સિજનની અછતને કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
દેશમાં ઑક્સિજનની અછત દૂર કરવા હેતુસર કેન્દ્ર સરકારે અન્ય દેશોમાં તેની આયાત કરવાનો નિર્ણય લીધો છે અને તેમાં સાઉદી અરેબિયાએ પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. સાઉદી અરેબિયા ભારતને 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન સપ્લાય કરી રહ્યું છે. અદાણી સમૂહ તેમજ લિંડે કંપનીના સહયોગથી 80 મેટ્રિક ટન ઑક્સિજન કન્ટેનર દ્વારા શિપમેન્ટ થઇ રહ્યો છે.
સાઉદી અરેબિયાની આ મિત્રતા અને સહયોગને લઇને રિયાધ ખાતેના ભારતીય મિશને ટ્વીટ કરીને સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો છે.
નોંધનીય છે કે 80 ટન લિક્વિડ ઓક્સિજન સાથેની 4 ISO ક્રાયોજેનિક ટેન્કની પહેલી શિપમેન્ટ સમુદ્રી માર્ગે જલ્દી જ ભારત પહોંચી જશે. તેનાથી ભારતમાં ઓક્સિજન સંકટનો અંત આવશે તેવી સંભાવના છે.
(સંકેત)
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

