
ઓસ્ટ્રેલિયામાં ઊંચું મહેનતાણું મળતું હોવા છતાં સ્ટાફની ભારે અછત, હોસ્પિટાલિટી સેક્ટરમાં મેનપાવર ક્રાઇસીસ સર્જાઇ
- ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ મહેનતાણું અપાતું હોવા છતાં માણસોની અછત
- ઓસ્ટ્રેલિયાના અનેક રેસ્ટોરન્ટ્સમાં સ્ટાફની ભારે અછત
- કોવિડના કારણે અનેક શ્રમિકો પોતાના વતન પાછા ફરી રહ્યા છે
નવી દિલ્હી: એક તરફ ભારતમાં જ્યાં એક નોકરી માટે લાખોની સંખ્યામાં અરજદારોની પડાપડી થતી હોય છે ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં સૌથી ઉચ્ચ વેતન મળતું હોવા છતાં કોઇ નોકરી કરવા માટે તૈયાર નથી. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરના એક રેસ્ટોરાંમાં સ્ટાફની ભારે અછત સર્જાઇ છે. આ રેસ્ટોરન્ટમાં સ્ટાફની એટલી અછત કે ગ્રાહકોને પૂરતી સર્વિસ પણ મળતી નથી.
ઓસ્ટ્રેલિયાના મોટા ભાગના રેસ્ટોરન્ટ્સ કલાકના 55 ઓસ્ટ્રેલિયન ડૉલર પગાર આપવા માટે તૈયાર હોવા છતાં તેમને સ્ટાફ નથી મળી રહ્યો.
કોવિડે માથુ ઉંચકતા અત્યારે પર્થ સહિતના મોટા ભાગના શહેરોની સરહદો બંધ છે. બીજા શહેરમાંથી પર્થમાં આવતા શ્રમિકો કોવિડના કારણે અત્યારે તેમના વતન જતાં રહ્યાં છે. તેથી શહેરના મોટા રેસ્ટોરન્ટને વેતનરૂપે મોટી રકમ ચૂકવવા છતાં સ્ટાફ મળી રહ્યો નથી.
વેસ્ટ પર્થની એક રેસ્ટોરન્ટે ઑનલાઇન જોબની જાહેરાત આપી છે. જેમાં લખ્યું છે કે, તેમને અનુભવી, નવું શીખવાનો ઉત્સાહ ધરાવનારા સ્ટાફની જરૂર છે. આ માટે તેઓ પ્રતિ કલાક 55 ઓસ્ટ્રેલિયન ડૉલરનું મહેનતાણું ચૂકવવા તૈયાર છે.
ઓસ્ટ્રેલિયાનો હોસ્પિટાલિટી ઉદ્યોગ અત્યારે માણસોની અછત એટલે કે શ્રમ સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. જેની સીધી અસર ગ્રાહકોને અપાતી સેવા અને તેમના અનુભવ પર પડી રહ્યો છે.
જાફરાનો રેસ્ટોરન્ટ ચેઇનની જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને સ્વાદિષ્ટ ભોજન બનાવનારા અને સારી સર્વિસ આપનારા લોકોની જરૂર છે. સારૂં ભોજન બનાવી શકતા હોય તેવાં કામદારોને શનિવાર અને રવિવાર સહિત અઠવાડિયામાં લગભગ 40 કલાક કામ કરવાનું રહેશે.
આ રીતે જાહેરાત અપાતી હોવા છતાં અને ઉચ્ચ મહેનતાણું અપાતું હોવા છતાં પણ રેસ્ટોરન્ટ્સને સ્ટાફ મળી રહ્યો નથી. ગ્રાહકોને પણ અપૂરતી સર્વિસ મળી રહી છે.