
- કેલિફોર્નિયા આ વર્ષે પણ કુદરતના પ્રકોપનું બન્યું ભોગ
- કેલિફોર્નિયામાં 72 કલાકમાં 11,000 આકાશી વીજળી ત્રાટકી
- આકાશી વીજળી ત્રાટકતા 367 સ્થળોએ લાગી આગ
કેલિફોર્નિયા: દર વર્ષે કેલિફોર્નિયા રાજ્ય કુદરતના પ્રકોપનું ભોગ બનતું રહે છે. કેલિફોર્નિયામાં વારંવાર કુદરતિ આપત્તિઓ આવતી રહે છે. સમગ્ર વિશ્વમાં જંગલોમાં સૌથી વધુ આગ લાગવાની ઘટના પણ કેલિફોર્નિયામાં જ થાય છે ત્યારે હવે કુદરતે કેલિફોર્નિયા રાજ્યમાં ફરી કહેર વર્તાવ્યો છે. કેલિફોર્નિયા રાજ્યમાં 72 કલાકમાં 11,000 આકાશી વીજળી ત્રાટકી હતી. તેના કારણે કેલિફોર્નિયાના 367 સ્થળોએ આગ લાગવાની ઘટના ઘટી હતી. આગ એ બાદમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 50-70 ઇમારતોને નુકસાન થવા પામ્યું હતું.
આ અંગે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે જણાવ્યું હતું કે, કેલિફોર્નિયા રાજ્ય વિકટ પરિસ્થિતિમાં મૂકાયું છે. અગાઉ ક્યારેય કેલિફોર્નિયા આ પ્રકારના દૃશ્યોનું સાક્ષી નથી બન્યું. કેલિફોર્નિયામાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી.
કેલિફોર્નિયામાં વિવિધ સ્થળોએ લાગેલી આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામક દળોની 400 ગાડીઓ રાજ્યની બહારથી પણ બોલાવવામાં આવી છે પરંતુ હજુ પણ સંપૂર્ણપણે આગ પર કાબૂ લઇ શકાયો નથી. અગ્નિશામક દળો હજુ પણ આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. સરકારે તે ઉપરાંત બચાવ કાર્ય પણ પૂરજોશમાં શરૂ કર્યું છે.
બીજી તરફ જંગલ વિસ્તારમાં પણ ભયાનક આગ ફાટી નીકળતા અંદાજે 19,000 એકરના વિસ્તારમાં આગ પ્રસરી ચૂકી છે અને વૃક્ષો બળીને ખાખ થઇ ચૂક્યા છે. આગ એટલી વિકરાળ છે કે તેનો ધૂમાડો સાન ફ્રાન્સિસ્કો સુધી પહોંચ્યો છે.
આગ વિકરાળ હોવા ઉપરાંત તીવ્ર ગતિએ પ્રસરી રહી હોવાથી જનજીવન પણ ઠપ થયું છે. અસંખ્ય લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. હજારો લોકો બેઘર થયા છે. તે ઉપરાંત ત્યાં ગરમીનો પારો પણ 35 થી 38 ડિગ્રી સુધી પહોંચ્યો છે. જેથી લોકો ગરમીથી પણ ત્રસ્ત છે. કુદરતના આ રૌદ્ર સ્વરૂપને કારણે કેલિફોર્નિયાના નાગરિકો સંકટમાં મૂકાયા છે.
(સંકેત)