
- અમેરિકાનું અર્થતંત્ર છેલ્લા 40 વર્ષમાં પ્રથમ વખત મજબૂત વૃદ્વિ કરી રહ્યું છે
- વર્તમાન વર્ષમાં અમેરિકાનો આર્થિક વૃદ્વિદર 6.50 ટકા રહી શકે
- વર્ષ 2022 તેમજ 2023માં આ દર અનુક્રમે 3.30 ટકા તેમજ 2.20 ટકા રહેવાની ધારણા
નવી દિલ્હી: અમેરિકાનું અર્થતંત્ર છેલ્લા 40 વર્ષમાં પ્રથમ વખત મજબૂત વૃદ્વિ તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકન ફેડરલ રિઝર્વે આ જાણકારી આપી હતી અને મુખ્ય વ્યાજદર શૂન્યની નજીક જાળવી રાખવાનું જાહેર કર્યું હતું.
ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બે દિવસની બેઠકના તે કમિટિની ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે આપણી સમક્ષ મજબૂત ડેટા આવી રહ્યા છે. ફેડરલ રિઝર્વ દ્વારા પૂરા પડાયેલા સ્ટીમ્યુલસ તથા કોરોના વાયરસની વેક્સીનની સફળતાના પરિણામ સ્વરૂપ વર્તમાન વર્ષમાં અમેરિકાનો આર્થિક વૃદ્વિદર 6.50 ટકા રહેવાનો પોવેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો. વર્ષ 2022 તેમજ 2023માં આ દર અનુક્રમે 3.30 ટકા તેમજ 2.20 ટકા રહેવાની ધારણા છે.
વર્તમાન વર્ષ પર નજર કરીએ તો વર્તમાન વર્ષમાં ફુગાવો વધીને 2.40 ટકા જવાની અપેક્ષા રખાઇ છે. આમ છતાં વ્યાજ દર શૂન્ય નજીક જાળવી રખાશે. ફુગાવામાં આ વધારો કામચલાઉ હશે એવો મત પ્રવર્તિત છે. વધુમાં વધુ રોજગાર પૂરુ પાડે તેવી સ્થિતિમાં અર્થતંત્રને લાવવા માટે અમે પ્રતિબદ્વ છીએ.
બેરોજગારીના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે બેરોજગારીનો દર 6.20 ટકા પરથી ઘટી વર્ષ 2021ના અંતે 4.50 ટકા રહેવા ધારણા છે. વર્ષ 2023 સુધીમાં આ દર 3.50 ટકા થવાનો અંદાજ છે.
(સંકેત)