- હવે વિદેશ પ્રવાસ માટે વેક્સિન પાસપોર્ટની તૈયારી
- WHO તેને લઇને ટૂંક સમયમાં ગાઇડલાઇન જારી કરી શકે
- આ માટે WHO અનેક દેશો સાથે ચર્ચા વિચારણા કરી રહ્યું છે
નવી દિલ્હી: હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આગામી થોડાક સમયમાં હવે વેક્સિન પાસપોર્ટ અનિવાર્ય બને તેવી ચર્ચાએ ગતિ પકડી છે. હાલમાં કોરોના સામેની લડાઇમાં વેક્સિન એક માત્ર હથિયાર છે ત્યારે વિદેશ યાત્રા માટે પણ વેક્સિનની અનિવાર્યતા પર ભાર મૂકાઇ રહ્યો છે. શક્ય છે કે વીઝાની શરતોમાં આને જોડી શકાય છે. આને ધ્યાને રાખીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ આ જ દિશામાં સક્રિય થયું છે. આગામી દિવસોમાં તેને લઇને ગાઇડલાઇન જારી કરવામાં આવે તેવી પણ સંભાવના છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, કેટલાક દેશો પોતાની ગાઇડલાઇન પણ બનાવી રહ્યા છે તેવું સૂત્રો કહી રહ્યા છે. જેમાં તમામ હાજર વેક્સિન સામેલ નથી કરવામાં આવી રહી. આ બાદ ભારત સહિત અનેક દેશોએ આ મુદ્દાને WHO સામે પ્રસ્તુત કર્યો છે. જો કે WHO વીઝા માટે વેક્સિન ફરજીયાત શરત સાથે જોડવાના પક્ષમાં નથી. તેમ છતાં એક વ્યાપક દિશા નિર્દેશ તેમના તરફથી જારી કરવામાં આવ્યો છે જેથી કોઇ ભ્રમની સ્થિતિ ઉપસ્થિત ના થાય.
સૂત્રોનુસાર, WHO આ પ્રવાસની આવશ્યક શરતો રૂપે સ્વીકાર કરવાના પક્ષમાં નથી. તેમજ રસી લઇ ચૂકેલા લોકોને ભલામણ કરી શકે છે. જો કોઇએ વેક્સિન નથી લીધી તો તેના માટે આ વિકલ્પ હોવો જોઇએ. પૂરતા સ્વાસ્થ્ય વીમા સાથે દેશમાં પ્રવેશની પહેલા ક્વોરેન્ટાઇન વિકલ્પનો સ્વીકાર કરવો અનિવાર્ય બનશે.
નોંધનીય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, વેક્સિન પાસપોર્ટને લઇને WHO સાથે ચર્ચા વિચારણા થઇ રહી છે પરંતુ હજુ સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી. ભારત આ શ્રેણીમાં પોતાના મુદ્દાને સામે રાખશે.