- કારનો ચાલક નશાની હાલતમાં હતો તેથી દરવાજો પણ ખોલી ન શક્યો
- પોલીસ અને લોકોએ મળીને કારના કાચ તોડીને ચાલકને બહાર કાઢ્યો
- પોલીસે કારચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથધરી
વડોદરાઃ શહેરમાં રાતના સમયે નશો કરીને વાહનો ચલાવીને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના પાદરા રોડ પર સમીયાલા ગામ પાસે મોડી રાત્રે નશાની હાલતમાં કાર ચલાવતા ચાલકે કારને ડિવાઇડર પર ચડાવી દીધી હતી. કારચાલક નશામાં એટલે બધો ચકનાચૂર હતો કે, કારનો દરવાજો પણ ખોલી શક્યો નહોતો. આ ઘટનાની જાણ ગ્રામજનોએ તુરંત જ 112 નંબર પર કોલ કરીને જાણ કરતાં વડોદરા તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા-પાદરા રોડ પર સમીયાલા ગામ પાસે કારચાલક યુવાને નશાની હાલતમાં કારને ડિવાઇડર પર ચડાવી દીધી હતી. જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આ સમયે વડોદરા તાલુકા પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી અને સમીયાલા બસ સ્ટેન્ડ પાસે જ હોવાથી પોલીસ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી. પોલીસ અને ગ્રામજનોની મદદથી કારનો કાચ તોડીને કાર ચાલકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. ચાલકની આંખો લાલચોળ હોવાથી અને તોતડાતી જીભે વાત કરતો હોવાથી તે દારૂના નશામાં હોવાનું પોલીસે નોંધ્યું હતું. પોલીસે તેની પાસે દારૂની પરમિટ માંગી તો તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું.
આરોપી રાજ કનુભાઈ ભટ્ટ (ઉ.વ. 39, રહે. 46, સહજાનંદ સોસાયટી, ચાણક્યનગરી પાસે, કલાલી રોડ, વડોદરા) મહિન્દ્રા કંપનીની 3XO કાર ચલાવી રહ્યો હતો. પોલીસે આ કાર જપ્ત કરી લીધી છે અને આરોપી સામે ગુજરાત પોલીસ અધિનિયમ તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (file photo)

