
રાજકોટઃ ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ શહેરી ગરીબોને આવાસો ફાળવવામાં આવે છે. આવા આવાસો જરૂરિયાતમંદ ઘર વિહોણા ગરીબ પરિવારોને ફાળવવામાં આવતા હોય છે. પરંતુ આવાસ મળ્યા બાદ ઘણા પરિવારો આવાસ ભાડે આપી દેતા હોય છે. રાજ્યના તમામ મહાનગરોમાં ફાળવાયેલા આવાસો ભાડે તો આપી દેવામાં આવ્યા નથી, તેની તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં રેલનગર સહિત ચાર આવાસ યોજનામાં 20 ભાડુઆતો પકડાયા હતા. એટલે 20 જેટલા આવાસોને સીલ કરવામાં આવ્યા છે.
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય લઈને શહેરમાં ઠેર-ઠેર ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો માટેનાં આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે આ આવાસ યોજનાનાં ક્વાર્ટર મળ્યા બાદ અમુક લાભાર્થી પોતાના આવાસ ભાડે પણ આપતા હોય છે. આ બાબત ધ્યાનમાં આવતા તમામ આવાસોમાં સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બુધવારે રેલનગર સહિતની ચાર આવાસ યોજનામાંથી 20 ભાડુત ઝડપાતા તમામ ક્વાર્ટર સીલ કરાયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આવાસ યોજનાના અનેક મુળ લાભાર્થીઓ દ્વારા તેમને લાગેલા આવાસ ધંધાદારી માલિકની જેમ ભાડુતોને આપવાનો ધંધો કરતા હોય છે. આથી આવા આવાસ ખાલી કરાવવા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ મહાપાલિકાની આવાસ યોજના શાખા દ્વારા જે તે ક્વાર્ટરમાં લાભાર્થીના બદલે ભાડુતો રહેતા હોય તેવી જગ્યાએ કડક ચેકીંગ ચાલુ રાખવામાં આવ્યું છે. દરમિયાન રેલનગર સહિતની ચાર આવાસ યોજનામાંથી 20 ભાડુત પકડાતા તમામ જગ્યાએ સીલ મારી દેવામાં આવ્યા છે. જેમાં નાના મવા ચોકમાં આવેલી BSUP આવાસ યોજનામાંથી 4 ભાડુત પકડાતા તેને સીલ મારી દેવામાં આવ્યા હતા. રેલનગરની ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં 1, દયાનંદ સરસ્વતી ટાઉનશીપમાં 11 અને લોકમાન્ય તિલક ટાઉનશીપ ખાતેનાં 4 ક્વાર્ટરમાંથી પણ ભાડુતો પકડાયા હતા. જેને લઈને તમામ મળી કુલ 20 આવાસને સીલ મારી દેવામાં આવ્યા હતા.