ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર 2 મિલિયન ડોલરનો ટોલ લગાવ્યો
તહેરીન, 20 માર્ચ 2026: અમેરિકા સાથે ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. એક ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, ઈરાન હવે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પાસેથી 2 મિલિયન ડોલર (આશરે 20 કરોડ રૂપિયા) નો ટોલ ટેક્સ વસૂલી રહ્યું છે. ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ઈરાને આ માર્ગ પરથી પસાર થતા કોઈ જહાજ પાસેથી નાણાં વસૂલ્યા હોય. અગાઉ આ જળમાર્ગ તમામ જહાજો માટે બિલકુલ મફત હતો અને કોઈ ટ્રાન્ઝિટ ફી ચૂકવવી પડતી ન હતી. જોકે, ઈરાને હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી.
લોયડ ઇન્ટેલિજન્સ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ મુજબ, ફારસના અખાતમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ઈરાને હોર્મુઝ પાસે એક સુરક્ષિત કોરિડોર બનાવ્યો છે. આ કોરિડોર લાકર દ્વીપની નજીક આવેલો છે. રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં અહીંથી 9 જહાજોને સલામત રીતે કાઢવામાં આવ્યા છે. આ પૈકીના એક જહાજે સત્તાવાર પુષ્ટિ કરી છે કે, તેની પાસેથી પસાર થવા માટે 2 મિલિયન ડોલર વસૂલવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હોર્મુઝના આ નવા કોરિડોરમાંથી જે 9 જહાજો પસાર થયા છે તેમાં ભારત, ચીન, પાકિસ્તાન અને મલેશિયાના જહાજો સામેલ છે. જોકે, કયા દેશના કેટલા જહાજો હતા તેની વિસ્તૃત માહિતી હજુ સામે આવી નથી. સૂત્રોનું કહેવું છે કે કૂટનીતિક પ્રયાસો અને મંત્રણાઓ બાદ ઈરાને આ સુરક્ષિત માર્ગ તૈયાર કર્યો છે. આ મુદ્દે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે, “અમે ફક્ત તે દેશોના જહાજોને જ પસાર થવા દઈએ છીએ, જેઓ અમારા મિત્ર અને શુભેચ્છક છે.” બીજી તરફ, અમેરિકા આ વિસ્તારમાં ઈરાનના વર્ચસ્વને ખતમ કરવા માટે સક્રિય બન્યું છે અને હોર્મુઝમાંથી ઈરાનનો કંટ્રોલ દૂર કરવા માટે એક નવું ગઠબંધન તૈયાર કરી રહ્યું છે.
હોર્મુઝ એ ફારસના અખાત અને ઓમાનના અખાતને જોડતો અત્યંત મહત્વપૂર્ણ વ્યાપારી જળમાર્ગ છે. અત્યાર સુધી મફત રહેલા આ માર્ગ પર 2 મિલિયન ડોલર વસૂલવા પાછળ ઈરાન પોતાના બે મોટા હિત સાધવા માંગે છે. ઈરાનના સાંસદ મોહમ્મદ મુખબરે જણાવ્યું હતું કે, “જે જગ્યાઓ અમારી છે, ત્યાં અમે ટેક્સ લગાવીશું. જે દેશોએ અમારા પર પ્રતિબંધો લગાવ્યા છે, તેમણે તો ટેક્સ ચૂકવવો જ પડશે. હવે વેપાર બંને તરફથી થશે.”
આ ઉપરાંત, વિદેશ મંત્રી અરાઘચીએ યુદ્ધ બાદ હોર્મુઝના સંચાલન માટે એક નવો પ્રોટોકોલ બનાવવાની માંગ પણ ઉઠાવી છે. આ ટેક્સ વસૂલીને ઈરાન દુનિયાને એ સંદેશ આપવા માંગે છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર હજુ પણ તેનું જ સંપૂર્ણ નિયંત્રણ છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ અમેરિકાએ હોર્મુઝ નજીક આવેલા ઈરાની સૈન્ય બેઝને ઉડાવી દેવાની જાહેરાત કરી હતી, જેનો ઈરાન આ રીતે જવાબ આપી રહ્યું છે.


