દુબઈમાં કુવૈતી ઓઈલ ટેન્કર પર ઈરાની ડ્રોનનો હુમલો: જહાજમાં આગ
દુબઈ, 31 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની જ્વાળાઓ હવે સમુદ્રી માર્ગો સુધી પહોંચી છે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઆઈ) ના દુબઈ સ્થિત જેબેલ અલી બંદર પર લાંગરેલા કુવૈતી ઓઈલ ટેન્કર ‘અલ સાલમી’ પર ઈરાની ડ્રોન દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ ટેન્કરમાં અંદાજે 20 લાખ બેરલ તેલ ભરેલું હતું. હુમલાને કારણે ટેન્કરના બહારના ભાગમાં નુકસાન થયું હતું અને મોટી આગ ફાટી નીકળી હતી. જોકે, તાત્કાલિક કામગીરી કરીને આગ પર કાબૂ મેળવી લેવાયો છે, પરંતુ હવે ખાડી દેશોમાં તેલના રિસાવને કારણે પર્યાવરણીય કટોકટીનો ખતરો મંડરાઈ રહ્યો છે.
આ હુમલાના સમાચાર વાયુવેગે ફેલાતા આંતરરાષ્ટ્રીય બજારમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને એશિયન માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં 2 ટકાનો વધારો નોંધાયો છે. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે આ હુમલામાં ટેન્કર સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું છે, જેના કારણે લાંબા ગાળે તેલના પુરવઠા પર અસર પડી શકે છે.
નિષ્ણાતોના મતે, જો ટેન્કરમાંથી તેલનું મોટા પાયે રિસાવ થશે તો તેની અસરો અત્યંત ગંભીર હશે. દુબઈની આસપાસના પાણીમાં તેલ ઝડપથી ફેલાય છે. તેલનો એક ભાગ 24 થી 48 કલાકમાં બાષ્પ બનીને હવામાં ભળે છે, જે ઝેરી કાર્બનિક સંયોજનો ફેલાવે છે. આનાથી આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય પર સીધી અસર પડી શકે છે. નેશનલ ઓશિયાનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) મુજબ, તેલ દરિયાઈ પક્ષીઓના પાંખ પર જામી જાય છે, જેનાથી તેઓ ઉડી શકતા નથી. વળી, તેલમાં રહેલા ઝેરી તત્વો માછલીઓ અને અન્ય દરિયાઈ જીવોના હૃદય અને ઇમ્યુન સિસ્ટમને નુકસાન પહોંચાડી તેમનું મોત નીપજાવી શકે છે.
વર્ષ 1990 ના તેલ પ્રદૂષણ અધિનિયમ મુજબ, તેલના રિસાવ માટે જવાબદાર પક્ષે સફાઈનો સંપૂર્ણ ખર્ચ ભોગવવો પડશે. પર્યાવરણને થયેલા નુકસાનનું આકલન કરવા માટે નેચરલ રિસોર્સ ડેમેજ એસેસમેન્ટ (NRDA) હેઠળ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ખાડી દેશોમાં વધી રહેલા આ તણાવે વૈશ્વિક સ્તરે ઊર્જા સુરક્ષા અને પર્યાવરણીય સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. હાલમાં દુબઈ પ્રશાસન તેલના રિસાવને રોકવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.


