ઇરાક: બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર ડ્રોન હુમલો, વિસ્ફોટો બાદ લાગી આગ
બગદાદ, 17 માર્ચ 2026: ઇરાકની રાજધાની બગદાદમાં આવેલા અમેરિકી દૂતાવાસ પર મંગળવારે મોટો ડ્રોન હુમલો થયો છે. આ હુમલા બાદ દૂતાવાસના પરિસરમાં આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલો ત્યારે થયો જ્યારે વિસ્ફોટકોથી સજ્જ બે ડ્રોન દૂતાવાસના પરિસરમાં પડ્યા અને ભારે વિસ્ફોટ સાથે તેમાં આગ ભડકી ઊઠી. આ ઘટના બગદાદના અત્યંત સુરક્ષિત ગણાતા ‘ગ્રીન ઝોન’ વિસ્તારમાં બની છે.
સમાચાર એજન્સી સિન્હુઆ અને ઇરાકના ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને ડ્રોન દૂતાવાસની સુરક્ષા સીમાની અંદર પડતાની સાથે જ બ્લાસ્ટ થયા હતા. તેના કારણે પરિસરમાં આગ લાગી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા બહારથી પણ સ્પષ્ટ દેખાતા હતા. હુમલા દરમિયાન આખા પરિસરમાં તરત જ સાયરન વાગવા લાગ્યા હતા, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, દૂતાવાસની એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ આ ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરવામાં કે રોકવામાં નિષ્ફળ રહી હતી. હાલમાં આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, જોકે આગના કારણે દૂતાવાસની ઇમારતો અને અન્ય સુવિધાઓને નુકસાન થવાની આશંકા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોમવાર સાંજથી લઈને મંગળવાર વહેલી સવાર સુધી દૂતાવાસ પર અનેકવાર હુમલા કરવામાં આવ્યા હતા. સામે આવેલા કેટલાક વીડિયો ફૂટેજમાં એક ડ્રોન દૂતાવાસ પરિસરની એકદમ નજીક આવીને ફાટતું જોવા મળ્યું છે, જે દર્શાવે છે કે એક જ રાતમાં અનેકવાર સુરક્ષા વ્યવસ્થા ભેદવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બગદાદનો ‘ગ્રીન ઝોન’ અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે, જ્યાં ઇરાકી સરકારની ઇમારતો, સંસદ અને અનેક વિદેશી દૂતાવાસો આવેલા છે. અગાઉ પણ આ વિસ્તાર રોકેટ અને મોર્ટાર હુમલાઓનું નિશાન બની ચૂક્યો છે.
બીજી તરફ, ઇરાકના તેલ મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે દક્ષિણ ઇરાકના મજનૂન ઓઇલ ફિલ્ડ પર પણ બે ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેલ મંત્રાલયના પ્રવક્તા સાહિબ બાજૂનના જણાવ્યા અનુસાર, એક ડ્રોન ટેલિકોમ ટાવર સાથે અથડાયું હતું, જેનાથી કોઈ મોટું નુકસાન થયું ન હતું. જ્યારે બીજું ડ્રોન ત્યાં કામ કરતી એક અમેરિકન કંપનીની ઓફિસને નિશાન બનાવીને ફેંકવામાં આવ્યું હતું.
અન્ય એક ઘટનામાં, સોમવારે ઇરાકના અર્ધલશ્કરી સંગઠન ‘પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સ’ એ દાવો કર્યો હતો કે પશ્ચિમી પ્રાંત અનબારમાં થયેલા એક ઇઝરાયલી હુમલામાં તેના 6 સભ્યો માર્યા ગયા છે અને અન્ય 4 ઘાયલ થયા છે. સંગઠનના જણાવ્યા મુજબ, આ હુમલો સીરિયા બોર્ડર પાસે અલ-કાયમ શહેર સ્થિત એક ચેકપોસ્ટ પર કરવામાં આવ્યો હતો. પીએમએફએ જણાવ્યું કે આ એક ‘સત્તાવાર સુરક્ષા ચોકી’ હતી અને હુમલાના સમયે તેના સભ્યો દેશની ભૂમિ અને સંપ્રભુતાની રક્ષા માટે પોતાની ફરજ બજાવી રહ્યા હતા.
આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હવાઈ હુમલામાં 400 લોકોના મોત, 250 ઘાયલ


