પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા શરૂ થવાના પહેલાં જ પાકિસ્તાનના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન ઈશાક ડારે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ઈમરાન ખાનની સરકાર દરમિયાન ISIના તત્કાલીન પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ કાબુલમાં ચા પીવા ગયા હતા, જેની કિંમત આજે પાકિસ્તાનને તહરીક-એ-તાલિબાન (TTP)ના સતત હુમલાઓ રૂપે ચૂકવવી પડી રહી છે.
પાકિસ્તાનની સેનેટમાં બોલતા ઈશાક ડારે જણાવ્યું કે સપ્ટેમ્બર 2021માં ISI પ્રમુખ ફૈઝ હમીદ કાબુલના સેરેના હોટેલમાં ચા પીવા ગયા હતા, અને એ જ મુલાકાતે પાક-અફગાન સીમાઓને ખોલી નાંખી હતી. તેમણે કહ્યું, “તે ચાની કિંમત આજે આપણા સૈનિકોના લોહીથી ચૂકવાઈ રહી છે. TTPના આતંકવાદીઓ એ જ સમયથી પાકિસ્તાનમાં પ્રવેશી ગયા હતા.” ડારએ સ્પષ્ટ કર્યું કે 2021ની આ ભૂલ ફરીથી ન થાય તે માટે હવે પાકિસ્તાન વધુ સાવધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટ 2021ના રોજ તાલિબાને અફગાનિસ્તાન પર કબજો કર્યો હતો. તાલિબાન સરકારના ગઠન સમયે તત્કાલીન ISI પ્રમુખ ફૈઝ હમીદ કાબુલ ગયા હતા અને તાલિબાનના નેતાઓ સાથે સેરેના હોટેલમાં મુલાકાત કરીને ચા પીધી હતી. આ મુલાકાતની તસવીરો તે સમયે આંતરરાષ્ટ્રીય મીડિયામાં ખૂબ ચર્ચામાં રહી હતી. પાકિસ્તાને ત્યારે દાવો કર્યો હતો કે તાલિબાનના કબજાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે. પરંતુ હવે ચાર વર્ષ પછી પરિસ્થિતિ વિરુદ્ધ બની ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે હવાઈ હુમલાઓ અને સરહદી અથડામણો થઈ ચૂકી છે. પાછલા મહિને પાકિસ્તાની સેના દ્વારા અફગાનિસ્તાનમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં તાલિબાન સરકારએ પણ પાકિસ્તાનને કડક જવાબ આપ્યો હતો.
હાલમાં બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે ગુરુવારથી દ્વિપક્ષીય શાંતિ વાર્તા શરૂ થઈ રહી છે. ઈશાક ડારના નિવેદન બાદ આ ચર્ચાઓ પર સૌની નજર છે, કારણ કે પાકિસ્તાન હવે સ્પષ્ટ રીતે ઈમરાન સરકારના સમયની નીતિઓથી અંતર લેતો દેખાઈ રહ્યો છે.

