નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન ચલાવીને એક મોટા આતંકી હુમલાનો ષડયંત્ર નિષ્ફળ બનાવી દીધો છે. દિલ્હી, મુંબઇ અને ઝારખંડમાં એકસાથે શરૂ કરાયેલા આ અભિયાન દરમિયાન કુલ 5 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બધા ISIS મોડ્યુલથી પ્રેરિત હોવાનું સામે આવ્યું છે અને તેઓ દિલ્હીમાં કેમિકલ બોમ્બ દ્વારા હુમલો કરવાની તૈયારીમાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે પહેલા ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. જેમાં આફતાબ અને સુફિયાનને દિલ્હીમાંથી પકડાયા હતા. બંને મુંબઇના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેમની પાસે હથિયાર તથા આઈઈડી બનાવવાના સામાન મળી આવ્યા છે. ત્રીજો આતંકી અઝહર દાનિશ ઝારખંડના રાંચીમાંથી ઝડપાયો હતો, તેના ઘરેથી કેમિકલ અને વિસ્ફોટકો મળ્યા છે.
રાંચીના લોઅર બજાર વિસ્તારના ઇસ્લામ નગરમાંથી વધુ એક શંકાસ્પદ ISIS આતંકીને ઝડપી લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી દિલ્હી પોલીસ, ઝારખંડ ATS અને રાંચી પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ થઈ હતી. આ ધરપકડ બાદ શહેરમાં ખળભળાટ મચી ગયો છે. દરોડા દરમિયાન પોલીસને વાંધાજનક સામગ્રી તથા આતંકવાદી સંગઠન સાથે જોડાણના પુરાવા મળી આવ્યા છે.
સુરક્ષા એજન્સીઓએ ચેતવણી આપી છે કે રાંચી ધીમે ધીમે આતંકી નેટવર્કનો અડ્ડો બની રહ્યું છે. અગાઉ પણ અહીંથી શંકાસ્પદ આતંકીઓની ધરપકડ થઈ ચૂકી છે. હાલની કાર્યવાહી બાદ પોલીસને આશા છે કે આગામી દિવસોમાં આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે. પોલીસ દ્વારા વિસ્તારની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિ સાથે અન્ય કોઈ સામેલ હતું કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.