ISIનું નવું ષડયંત્ર: પાકિસ્તાની આતંકી સંગઠનો અને હમાસ વચ્ચે ગઠબંધન
નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI હવે કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માટે ખતરનાક રમત રમી રહી છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, ISI પેલેસ્ટાઈન સંગઠન ‘હમાસ’ ને પાકિસ્તાની આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે એક મંચ પર લાવવાના પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં હમાસના પ્રતિનિધિઓએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) માં આતંકી કાર્યક્રમોમાં હાજરી આપી હોવાનું બહાર આવ્યું છે.
તાજેતરમાં જ પાકિસ્તાનના ગુજરાનવાલામાં હમાસનો વરિષ્ઠ કમાન્ડર નાજી ઝહીર લશ્કરના આતંકી રાશિદ અલી સંધુ સાથે જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ લશ્કરના રાજકીય મહોરા ગણાતા ‘પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ’ (PMML) દ્વારા આયોજિત કરાયો હતો. આ સિવાય PoK ના રાવલકોટમાં આયોજિત ‘કાશ્મીર સોલિડેરિટી ડે’ પર હમાસના પ્રતિનિધિ ડૉ. ખાલિદ અલ કદૂમીએ સંબોધન કર્યું હતું, જ્યાં લશ્કર અને જૈશના આતંકીઓ પણ હાજર હતા.
રક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, એપ્રિલ 2025 માં હમાસના પ્રતિનિધિમંડળે જૈશના ગઢ ગણાતા બહાવલપુરની મુલાકાત લીધી હતી. ISI ની વ્યૂહરચના કાશ્મીર અને પેલેસ્ટાઈનના સંઘર્ષને ‘સમાન સંઘર્ષ’ તરીકે રજૂ કરવાની છે. પાકિસ્તાનમાં પેલેસ્ટાઈન પ્રત્યેની જનભાવનાનો લાભ ઉઠાવીને ISI કાશ્મીર મુદ્દાને પેલેસ્ટાઈન જેવો આકાર આપી વિશ્વ સમક્ષ રજૂ કરવા માંગે છે.
ગયા વર્ષે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરક્ષા નિષ્ણાતોએ નોંધ્યું હતું કે, હુમલાની પદ્ધતિ અને લક્ષ્ય પસંદ કરવામાં હમાસની શૈલીની ઝલક જોવા મળી હતી. જોકે સીધા પુરાવા મળ્યા નથી, પરંતુ વૈચારિક રીતે લશ્કર અને હમાસ નજીક આવી રહ્યા હોય તેવું જણાય છે.


