Site icon Revoi.in

વેસ્ટ બેંકની ઈઝરાયલે કરી કિલ્લેબંધી, એક હજાર જેટલા બેરિયર ઉભા કર્યાં

Social Share

હમાસ સાથેના યુદ્ધની શરૂઆત બાદ ઈઝરાયલે વેસ્ટ બેંકના શહેરો અને ગામોમાં આશરે એક હજાર જેટલા અવરોધકો (બેરિયર) ઉભા કર્યા છે, જેના કારણે ફલસ્તીની નાગરિકોનું દૈનિક જીવન અને અવરજવર અત્યંત મુશ્કેલ બની ગઈ છે. તેમ ફલસ્તીની સરકારી સંસ્થા વોલ એન્ડ સેટલમેન્ટ રેઝિસ્ટન્સ કમિશનએ જણાવ્યું હતું.

આ કમિશનના જણાવ્યા મુજબ, 7 ઑક્ટોબર 2023 ના રોજ હમાસના નેતૃત્વ હેઠળ થયેલા હુમલા પછીથી અત્યાર સુધીમાં 916 નવા ગેટ, દિવાલો અને બેરિયર ઉભા કરાયા છે. ઈઝરાયલી સેનાએ તો 1967ના મધ્યપૂર્વના યુદ્ધ બાદથી જ વેસ્ટ બેંકમાં લોકોની હિલચાલ પર નિયંત્રણ રાખ્યું હતું, પરંતુ આટલા મોટા પ્રમાણમાં નવા અવરોધકો પહેલી વાર ઉભા થયા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.

ઈઝરાયલના આ નવા બેરિયરમાં મુખ્યત્વે ધાતુના ગેટનો સમાવેશ થાય છે, જે ઘણા ગામો અને શહેરોના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ તો ઈઝરાયલી સૈનિકો પણ તૈનાત હોય છે. ફલસ્તીની નાગરિકોના જણાવ્યા મુજબ, આ ગેટો અનિશ્ચિત સમયે ખૂલતા અને બંધ થતા હોવાથી લોકોને કામ પર જવા, શાળામાં પહોંચવા કે તબીબી સેવા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણા લોકો પોતાના મિત્રો કે સગાઓના ઘરે રાત વિતાવે છે, કારણ કે ગેટો ઘણા દિવસો સુધી બંધ રહે છે. કેટલાક લોકો લાંબો રસ્તો કાપીને પગપાળા પોતાના ગંતવ્ય સુધી પહોંચે છે.

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર, સપ્ટેમ્બર મહિનાના પ્રથમ બે અઠવાડિયામાં જ વેસ્ટ બેંકમાં 18 નવા ગેટ ઉભા કરાયા છે. આ ઉપરાંત મોટા માટી અને કૉન્ક્રીટના અવરોધકો પણ ઉભા કરાયા છે, જે આરોગ્ય અને શિક્ષણ સુધી ફલસ્તીનીઓની પહોંચમાં અવરોધ ઉભો કરે છે. કેટલાક નવા ગેટો એવા માર્ગો પર લગાવવામાં આવ્યા છે, જે ઉત્તર અને દક્ષિણ વેસ્ટ બેંકને જોડે છે, જેના કારણે ત્યાંના આશરે 30 લાખ ફલસ્તીનીઓને લાંબો ચક્કર લગાવવો પડે છે. જે મુસાફરી પહેલાં 20 મિનિટમાં પૂરી થતી હતી, તે હવે એક કલાકથી વધુ લે છે.

ઈઝરાયલી સેનાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે આ ગેટો લોકોને અટકાવવા માટે નહીં પરંતુ તેમની હિલચાલ પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવ્યા છે. વેસ્ટ બેંકમાં સુરક્ષાની પરિસ્થિતિ અત્યંત જટિલ છે. ઉગ્રપંથી તત્ત્વો સામાન્ય નાગરિકોમાં છુપાયેલા હોય છે, તેથી સતત મોનિટરિંગ જરૂરી છે,” એમ અધિકારીએ કહ્યું હતું.