Site icon Revoi.in

હમાસના સફાયા માટે ઈઝરાયલે અભિયાન વધુ તેજ બનાવ્યું, ગાઝામાં ઈઝરાયલના હુમલા વધ્યાં

Social Share

ઇઝરાયલ ગાઝામાં હમાસને જડમૂળથી ઉખેડી નાખવા માટે જોરશોરથી ઝુંબેશ ચલાવી રહ્યું છે અને તેથી ઇઝરાયલે ગાઝામાં હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 79 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે અને 211 અન્ય ઘાયલ થયા છે.

સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ઓક્ટોબર 2023 થી ઇઝરાયલી હુમલાઓમાં પેલેસ્ટિનિયનોના મૃત્યુની સંખ્યા વધીને 53,901 થઈ ગઈ છે, જ્યારે 1,22,593 લોકો ઘાયલ થયા છે. મોટાભાગના પીડિતો મહિલાઓ અને બાળકો છે. યુએન એજન્સી દ્વારા ટાંકવામાં આવેલા સમાન સૂત્રો અનુસાર, બે મહિનાના યુદ્ધવિરામ પછી 18 માર્ચે ઇઝરાયલે ફરી લડાઈ શરૂ કરી ત્યારથી મૃત્યુઆંક પણ વધીને 3,747 થયો છે, જ્યારે અન્ય 10,552 ઘાયલ થયા છે.

ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલા ચાલુ છે. શનિવારે થયેલા આ હુમલાઓમાં 79 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં ખાન યુનિસ શહેરમાં હવાઈ હુમલામાં માર્યા ગયેલા ડૉક્ટરના નવ બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે એક બાળક ઘાયલ થયો છે. માર્યા ગયેલા બાળકો સાત મહિનાથી 12 વર્ષની વયના હતા.

નાસેર હોસ્પિટલના બાળરોગ વિભાગમાં અલ્લાહ નઝર નામની મહિલા ડૉક્ટર કાર્યરત છે. હુમલાની માહિતી મળ્યા પછી જ્યારે તે તેના ઘરે પહોંચી ત્યારે ઘરમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી હતી, આગ બુઝાયા પછી, નાશ પામેલા ઘરમાંથી સાત બાળકોના મૃતદેહ મળી આવ્યા, બે બાળકોના મૃતદેહ કાટમાળ નીચે દટાયેલા હતા – તેમને બહાર કાઢી શકાયા ન હતા.
નજરનો પતિ અને 11 વર્ષનો દીકરો ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. ઇઝરાયલી સૈન્યએ કહ્યું છે કે ખાન યુનિસ વિસ્તાર એક ખતરનાક યુદ્ધ ક્ષેત્ર બની ગયો છે.

Exit mobile version