Site icon Revoi.in

ઇઝરાયલે સીરિયા સામે મોરચો ખોલીને હવાઈ હુમલા કર્યા; રાષ્ટ્રપતિ ભવન પાસે બોમ્બ વરસાવ્યા

Social Share

સીરિયન સરકાર સમર્થકો અને લઘુમતી ડ્રુઝ સમુદાય વચ્ચેની લડાઈ વચ્ચે ઇઝરાયલે સીરિયા વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. વહેલી સવારે ઇઝરાયલી વાયુસેનાએ સીરિયામાં હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયલે સીરિયાના રાષ્ટ્રપતિ મહેલ નજીક બોમ્બ વરસાવ્યાનું જાણવા મળે છે. સીરિયાની રાજધાની દમાસ્કસ નજીકના એક વિસ્તારમાં સરકાર સમર્થકો અને લઘુમતી ડ્રુઝ સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આમાં 10 લોકોના મોત થયા હતા. આ અંગે, ઇઝરાયલે સીરિયન અધિકારીઓને ચેતવણી આપી હતી કે તેઓ દક્ષિણ સીરિયામાં લઘુમતી સમુદાયના લોકોના ગામડાઓ તરફ ન જાય.

ઇઝરાયલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દમાસ્કસમાં રાષ્ટ્રપતિ હુસૈન અલ-શારાના મહેલ નજીક યુદ્ધવિમાનોએ હુમલો કર્યો હતો. જ્યારે સીરિયન મીડિયાએ જણાવ્યું હતું કે હુમલો શહેરની ઉપર એક ટેકરી પર સ્થિત પીપલ્સ પેલેસ પાસે થયો હતો. આ પહેલા પણ ઇઝરાયલ દ્વારા સીરિયા પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો.

સીરિયાના માહિતી મંત્રાલયે જણાવ્યું હતું કે બે અલગ અલગ હુમલાઓમાં દેશના સુરક્ષા દળોના 11 સભ્યો માર્યા ગયા છે. જ્યારે બ્રિટન સ્થિત યુદ્ધ મોનિટર સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું હતું કે સહનાયા અને ડ્રુઝ-બહુમતી દમાસ્કસ ઉપનગર જરામનામાં અથડામણમાં સ્થાનિક બંદૂકધારીઓ અને સુરક્ષા દળો સહિત 56 લોકો માર્યા ગયા હતા.

રાષ્ટ્રપતિ મહેલ નજીક હુમલો કરીને, ઇઝરાયલે સીરિયાના નવા નેતૃત્વને કડક ચેતવણી આપી છે. આ પહેલા સીરિયાના ડ્રુઝ આધ્યાત્મિક નેતા શેખ હિકમત અલ-હિજરીએ સીરિયન સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે સરકારી સમર્થકો દ્વારા થયેલી અથડામણોને લઘુમતી સમુદાય પર ગેરવાજબી નરસંહાર હુમલો ગણાવ્યો હતો.

ડ્રુઝ સમુદાયના સ્થાનિક બંદૂકધારીઓ અને સરકાર તરફી લડવૈયાઓ વચ્ચે અથડામણ એક સોશિયલ મીડિયા ઓડિયો ક્લિપને કારણે થઈ હતી જેમાં એક વ્યક્તિએ ઇસ્લામના પયગંબર મુહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ ઓડિયો એક ડ્રુઝ ધર્મગુરુનો હોવાનું કહેવાય છે, પરંતુ તેમણે આ આરોપને નકારી કાઢ્યો હતો.