Site icon Revoi.in

ગાઝા પટ્ટીને સંપૂર્ણ અસૈન્ય ક્ષેત્ર બનાવવાનો ઇઝરાયલી PM નેતન્યાહૂનો દ્રઢ સંકલ્પ

Social Share

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્યામિન નેતન્યાહૂએ જાહેરાત કરી હતી કે તેમની સરકાર હમાસને નાબૂદ કરવા અને ગાઝા પટ્ટીને સંપૂર્ણ રીતે અસૈન્ય (ડીમિલિટરાઇઝ્ડ) ક્ષેત્ર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, ગયા મહિને લાગુ કરાયેલા યુદ્ધવિરામ (સીઝફાયર) છતાં, બાકી રહેલા આતંકી સંગઠનો પર ઇઝરાયલની કાર્યવાહી ચાલુ રહેશે.

માહિતી અનુસાર, નેતન્યાહૂએ મંત્રીઓને સંબોધતા જણાવ્યું કે, “ગાઝાના કેટલાક વિસ્તારો જે હવે ઇઝરાયલના નિયંત્રણ હેઠળ છે, હમાસના કેટલાક સેલ્સ હજી સક્રિય છે અને અમારે તેમને વ્યવસ્થિત રીતે નાબૂદ કરવા છે.” જ્યારે દક્ષિણ ગાઝાના રફાહ અને ખાન યુનિસ વિસ્તારોમાં  ઇઝરાયલ સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે.

નેતન્યાહૂએ સ્પષ્ટ કહ્યું કે “હમાસને હથિયાર વિનાના કરવા અને ગાઝા પટ્ટીને ડીમિલિટરાઇઝ કરવુ એ અમારું મુખ્ય લક્ષ્ય છે.” તેમણે જણાવ્યું કે આ મુદ્દે તેમની સહમતિ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ ચૂકી છે. “જો આ એક રીતે શક્ય નહીં બને, તો બીજે રીતે આ હાંસલ કરીશું,” એમ તેમણે ઉમેર્યું હતું.

નેતન્યાહૂએ જણાવ્યું કે ઇઝરાયલી સેના ગાઝામાં કાર્યરત સૈનિકોની સુરક્ષા માટે સતત કાર્ય કરતી રહેશે. તેમણે ઉમેર્યું કે ઇઝરાયલ પોતાના અમેરિકન સહયોગીઓને ઓપરેશન્સ વિશે માહિતગાર કરશે, પરંતુ તેમની મંજૂરી લેવાની જરૂર નહીં પડે. “ઇઝરાયલ પોતાની સર્વોચ્ચ સુરક્ષા જવાબદારી પર કોઈ સમજૂતી નહીં કરે,” એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.