
મિશન ગગનયાન પર નજર રાખવા ઈસરો લોન્ચ કરશે ‘સંચાર ઉપગ્રહ’
- ઈસરો લોન્ચ કરશે ‘સંચાર ઉપગ્રહ’
- જે મિશન ગગનયાન પર રાખશે નજર
દિલ્હીઃ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઈસરો) અંતરિક્ષમાં ડેટા રિલે સેટેલાઇટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ઉપગ્રહ ગગનયાન અભિયાનને લોન્ચ કર્યા પછી તેના સાથે સંપર્કમાં રાખવામાં મદદ કરશે. ગગનયાન અભિયાનના અંતિમ તબક્કા પહેલા આ સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા તબક્કામાં, ભારત પ્રથમ ગગનયાન સાથે અવકાશયાત્રીઓને પૃથ્વીની નીચેની કક્ષામાં મોકલવાનો પ્રયાસ કરશે. આ વર્ષે ડિસેમ્બરમાં ગગનયાન મિશનના પ્રથમ તબક્કાની શરૂઆત થવાની સંભાવના છે, જેમાં ગગનયાન અવકાશયાત્રીઓ વિના આકાશમાં પહોંચાડવામાં આવશે
મળતી માહિતી પ્રમાણે, ઈસરોએ પોતાનું સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી છે, જે પ્રથમ માનવ સંચાલિત અવકાશ ઉડાન પહેલા ડેટા રિલે ઉપગ્રહ તરીકે કામ કરશે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ માટે 800 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને તેનું કામ પણ શરૂ કરવામાં આવી ચૂક્યું છે. યુ.એસ. સ્પેસ એજન્સી નાસા પણ તેના સંચાલિત સ્પેસ મિશનમાં પોતાના ડેટા રિલે સેટેલાઇટનો ઉપયોગ કરે છે.
ડેટા રિલે સેટેલાઈટ ખરેખર શું હોય છે જાણોઃ- સ્પેસ ઓર્બિટમાં કોઈ ઉપગ્રહ પૃથ્વી પરના ગ્રાઉન્ડ સ્ટેશન પર ત્યા સુધી માહિતી મોકલી શકતું નથી જ્યાં સુધી તેને ગ્રાઉન્ડ સ્ટેશન સ્પષ્ટ ન દેખાય. આવી સ્થિતિમાં, ડેટા રિલે ઉપગ્રહ ભ્રમણકક્ષામાં હાજર ઉપગ્રહની માહિતીને આગળ મોકલવામાં મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે.
સાહિન–
.