Site icon Revoi.in

ભાજપ સામે વિચારધારાની લડાઈ છે, અને ભાજપને કોંગ્રેસ જ હરાવી શકશેઃ રાહુલ ગાંધી

Social Share

મોડાસાઃ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રસના સંગઠનને મજબુત બનાવવાનો નિર્ણય લેવાયા બાદ તેનો પ્રારંભ ગુજરાતથી કરાયો છે. ગઈકાલે રાહુલ ગાંધી ફરીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે મોડાસાથી રાહુલ ગાંધીએ સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પક્ષના બુથ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, વિચારધારાની ફક્ત બે જ પાર્ટી છે. ભાજપ અને કોંગ્રેસ. બન્નેની વિચારધારા અલગ છે. બધા જાણે છે કે કોંગ્રેસ જ છે જે ભાજપ અને આરએસએસને હરાવી શકે છે.  આરએસએસ અને ભાજપને દેશમાં હરાવવી છે તો એનો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે. કોંગ્રસને સૌથી મોટા નેતા મહાત્મા ગાંધી ગુજરાતે આપ્યા છે, સરદાર પટેલને પણ ગુજરાતે આપ્યા છે. કોંગ્રેસ પાર્ટીની  વિચારધારા પણ અહીંથી શરૂ થઈ છે.

અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રસના સંગઠનને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે રાહુલ ગાંધી મોડાસાની મુલાકાતે આવ્યા હતા, અને સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. રાહુલ ગાંધી મોડાસા જતી વખતે હિંમતનગરના પ્રાંતિજમાં બે મિનિટનું રોકાણ કર્યું હતું અને લોકોએ તેમનું પુષ્પથી સ્વાગત કર્યુ હતું.

મોડાસામાં કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યા કાર્યકરોને સંબોધતાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના લડાયક મૂડ વિશે સંકેત આપી દીધા હતા, કોંગ્રેસના કાર્યકરો-નેતાઓના વખાણ કરતાં તેમને મજબૂત ગણાવ્યા હતા. તેમણે આ સંબોધનની શરૂઆતમાં જ કહ્યું કે, ગુજરાતમાં અમારી પાસે ખૂબ મજબૂત કાર્યકર્તા છે. દેશમાં શું ચાલી રહ્યું છે એ બધાં જાણે છે. દેશમાં બેરોજગારી વધી રહી છે.   દિલ્હીમાં અમે વરિષ્ઠ નેતાઓએ બેસીને એ વાત પર મંથન શરૂ કર્યું છે કે કોંગ્રેસને હવે કેવી રીતે મજબૂત કરવી. વિચારધારાની લડાઈ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે.   બધા જાણે છે કે કોંગ્રેસ જ છે જે ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. જો અમારે આરએસએસ અને ભાજપને દેશમાં હરાવવી છે તો તેનો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે. અમારી પાર્ટી ગુજરાતથી શરૂ થઈ છે. અમારા સૌથી મોટા નેતા મહાત્મા ગાંધી ગુજરાતે અમને આપ્યા છે, સરદાર પણ ગુજરાતે આપ્યા. અમારી પાર્ટી અને અમારી વિચારધારા પણ અહીંથી શરૂ થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં ઘણાં સમયથી કોંગ્રેસ પાર્ટીમાં નિરાશ જોવા મળે છે. ગુજરાતમાં પણ નિરાશા જોવા મળી રહી છે. એવું લાગે છે કે, આ ખૂબ મુશ્કેલ કામ છે. પરંતુ, હું તમને અહીં જણાવવા આવ્યો છું કે, આ કોઈ અઘરૂ કામ નથી. આપણે ગુજરાતમાં આ કામ કરીને રહીશું. અમે નિર્ણય લીધો છે કે, કોંગ્રેસ પાર્ટીમાં થોડા બદલાવની જરૂર છે. જિલ્લાના સિનિયર નેતાઓ સાથે વાતચીતમાં મને જાણવા મળ્યું કે, અહીં લોકલ નેતાઓને ટિકિટ વહેંચણીના નિર્ણયમાં સામેલ કરવામાં નથી આવતાં. મને જણાવ્યું કે, ખબર નહીં ટિકિટ ક્યાંથી આવી? જાણે આકાશમાંથી ટપકીને આવી જતી હોય. પણ હવે આવું નહીં ચાલે, કામ કરતા કાર્યકરોને તક અપાશે.