Site icon Revoi.in

યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે રસ્તો શોધવો જરૂરી, PM મોદીનું પુતિને સૂચન

Social Share

નવી દિલ્હીઃ ચીનના તિયાનજિનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને શક્ય તેટલું વહેલું પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મોદીએ જણાવ્યું કે, “અમે યુક્રેન સંઘર્ષ પર સતત ચર્ચા કરી રહ્યા છીએ. શાંતિ માટેના તાજેતરના તમામ પ્રયત્નોનું અમે સ્વાગત કરીએ છીએ. આશા છે કે તમામ પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. સંઘર્ષને સમાપ્ત કરી કાયમી શાંતિ સ્થાપિત કરવાનો માર્ગ શોધવો જરૂરી છે. આ સમગ્ર માનવજાતની માંગ છે.”

મોદીએ વધુમાં કહ્યું કે, “મને હંમેશાં લાગે છે કે આપણી મુલાકાત યાદગાર અનુભવ રહી છે. અમને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અવસર મળ્યો છે. અમે સતત સંપર્કમાં રહ્યાં છીએ અને ઊંચી સ્તરની અનેક બેઠક થઈ ચૂકી છે. 140 કરોડ ભારતીયો આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારા આપણા 23મા શિખર સંમેલન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ અમારી વિશેષ અને વિશેષાધિકૃત ભાગીદારીની ઊંડાણ અને વ્યાપકતાનું પ્રતિબિંબ છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે,  “ભારત અને રશિયા હંમેશાં કઠિન પરિસ્થિતિમાં પણ ખભે ખભો મિલાવીને ઉભા રહ્યાં છે. આપણી ઘનિષ્ઠ ભાગીદારી માત્ર બંને દેશોની પ્રજાજનો માટે જ નહીં, પણ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ અગત્યની છે.”

દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને પણ મોદી સાથેની મુલાકાત અંગે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, *“આપને મળીને આનંદ થયો. એસસીઓ (SCO) વૈશ્વિક દક્ષિણ અને પૂર્વના દેશોને એકતાનું મંચ આપે છે. 21 ડિસેમ્બર, 2025ના રોજ ભારત-રશિયા સંબંધોની ‘વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી’ને 15 વર્ષ પૂર્ણ થશે. આપણા દ્વિપક્ષીય સંબંધો બહુઆયામી છે અને આજની બેઠકથી ભારત-રશિયા સંબંધોને મહત્વપૂર્ણ પ્રોત્સાહન મળશે.”

Exit mobile version