આ ગ્રહને એક ચક્ર પૂર્ણ કરવામાં પૃથ્વીના 243 દિવસ લાગે છે!
પૃથ્વી પર એક દિવસ 24 કલાકનો હોય છે, પરંતુ આપણા સૌરમંડળમાં દરેક ગ્રહ પૃથ્વીના નિયમોનું પાલન કરતા નથી. બ્રહ્માંડમાં એક એવો પણ ગ્રહ છે જ્યાંનો એક દિવસ પૃથ્વીના અનેક મહિનાઓ બરાબર હોય છે. આ ગ્રહ છે ‘શુક્ર’ , જે પોતાની અત્યંત ધીમી ગતિ અને વિચિત્ર ભ્રમણકક્ષા માટે જાણીતો છે. શુક્ર ગ્રહને પોતાની ધરી પર એક ચક્ર પૂર્ણ કરવામાં પૃથ્વીના આશરે 243 દિવસ લાગે છે. આ ગાળો શુક્ર પરના એક દિવસની લંબાઈ દર્શાવે છે. નવાઈની વાત એ છે કે, આ ગ્રહ સૂર્યની આસપાસ એક ચક્ર (એક વર્ષ) માત્ર 225 દિવસમાં પૂર્ણ કરી લે છે.
સૌરમંડળના મોટાભાગના ગ્રહો પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, પરંતુ શુક્ર તેનાથી ઉલટું ‘રેટ્રોગ્રેડ રોટેશન’ એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. નાસાના વિજ્ઞાનીઓ અનુસાર, જો તમે શુક્રની સપાટી પર ઊભા હોવ, તો તમને સૂર્ય પશ્ચિમમાં ઉગતો અને પૂર્વમાં આથમતો જોવા મળશે. શુક્રની આ ધીમી ગતિ પાછળ તેનું ઘટ્ટ વાતાવરણ અને ગુરુત્વાકર્ષણ બળો જવાબદાર હોવાનું મનાય છે.
શુક્ર પછી બુધ પરનો દિવસ સૌથી લાંબો હોય છે. તેને એક વાર ફરતા 59 પૃથ્વી દિવસ લાગે છે, પરંતુ સૂર્યોદયના અંતર મુજબ ગણતરી કરીએ તો ત્યાં એક સૂર્યોદય થી બીજા સૂર્યોદય વચ્ચે 176 દિવસનો સમય લાગે છે. વાયુના ગોળા સમાન ગુરુ ગ્રહ સૌથી ઝડપી ફરે છે. ત્યાં માત્ર 10 કલાકથી પણ ઓછા સમયમાં એક દિવસ પૂરો થઈ જાય છે. પોતાની ધરી પર ધીમા ભ્રમણ અને અત્યંત ઘટ્ટ વાતાવરણને કારણે શુક્ર પર ભયાનક ‘ગ્રીનહાઉસ ઇફેક્ટ’ જોવા મળે છે. જેના કારણે તેની સપાટીનું તાપમાન એટલું ગરમ હોય છે કે તે લોખંડને પણ ઓગાળી શકે છે. લાંબો દિવસ અને લાંબી રાત આ તાપમાનને વધુ જટિલ બનાવે છે.


