
વડોદરામાં આવેલું માધ્યમિક શિક્ષણ બોર્ડેનું બિલ્ડીંગ જાહેર હરાજીથી વેચવાનો નિર્ણય કરાયો
વડોદરાઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા આ બિલ્ડીંગને હરાજી કરીને વેચી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને બોર્ડ દ્વારા તેની અપસેટ પ્રાઇસ રુ. 9,88,10,000 જાહેર કરી છે અને હરાજીમાં ભાગ લેવો હોય તેમણે અર્નેસ્ટ મની ડિપોઝિટ પેટે 50 લાખ જેટલી રકમ જમા કરાવી પડશે. શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ ઓનલાઇન ટેન્ડર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેની અંતિમ તારીખ 17 ડિસેમ્બર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના નવાપુરા વિસ્તારમાં અંદાજે 1006 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા આ બિલ્ડિંગ જમીન સાથે વેચવા કાઢવામાં આવ્યું છે. દાયકાઓ જૂનું આ બિલ્ડીંગ છે. અગાઉ જ્યારે માત્ર ધોરણ 10ની પરીક્ષા જ બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી એટલે કે લગભગ 70 ના દાયકાથી વડોદરાની આ ઓફિસ કાર્યરત છે. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયા પછી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું શરૂ કરવામાં આવ્યું છે અને ધોરણ 12 માટે પરીક્ષાના સંચાલનથી માંડી તમામ પ્રકારની વ્યવસ્થા ગાંધીનગર ખાતે આવેલી બોર્ડની કચેરીથી થાય છે. બોર્ડની અલગ અલગ ઓફિસ હોવાના કારણે વહીવટી તથા અન્ય પ્રકારના પ્રશ્નો ઊભા થતાં છેલ્લા બે વર્ષથી ધોરણ 10 માટેની બોર્ડની વડોદરા ખાતેની કચેરીનું ગાંધીનગર સ્થળાંતર કરવામાં આવતા વડોદરાનું આ બિલ્ડીંગ લાંબા સમયથી બિન ઉપયોગી હાલતમાં પડ્યું હતું અને હવે સરકારે તે વેચવા કાઢ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડોદરાના નવાપુર વિસ્તારમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું બિલ્ડિંગ આવેલું છે. વર્ષો પહેલા વડોદરાથી શિક્ષણ બોર્ડનો વહિવટ કરવામાં આવતો હતો. ધોરણ 10ની પરીક્ષાનું સંચાલન પણ વડોદરાથી કરવામાં આવતું હતું. ત્યારબાદ ગાંધીનગરમાં બોર્ડની નવી કચેરી કાર્યરત કરતા ધોરણ 10 અને 12નો વહિવટ આ કચેરીએથી કરવામાં આવતો હતો. અને વડોદરાની કચેરીનું સ્થળાંતર ગાંધીનગરમાં કરી દેવામાં આવ્યું હતું. ત્યારથી વડોદરાની કચેરી બંધ હતી. હવે આ કચેરીનું બિલ્ડિંગ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.