1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોમનાથનું રેલવે સ્ટેશન 157.4 કરોડના ખર્ચે વાસ્તુશિલ્પની ડિઝાઈન સાથે બનાવાશે,
સોમનાથનું રેલવે સ્ટેશન 157.4 કરોડના ખર્ચે વાસ્તુશિલ્પની ડિઝાઈન સાથે બનાવાશે,

સોમનાથનું રેલવે સ્ટેશન 157.4 કરોડના ખર્ચે વાસ્તુશિલ્પની ડિઝાઈન સાથે બનાવાશે,

0
Social Share

વેરાવળઃ ભારતીય રેલવેએ દેશભરમાં 204 સ્ટેશનોની પુન:વિકાસ માટે પસંદગી કરી છે, જેમાંથી ત્રણ સ્ટેશનોના પુન:વિકાસની કામગીરી શરૂ થઇ ગઇ છે. જ્યારે 43 સ્ટેશનોનું કામ ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોને આધુનિક સગવડોથી ભરપૂર વિશ્વસ્તરીય ટર્મિનલો રૂપે વિકસિત કરવાને વધારે મહત્ત્વ આપ્યું છે જેથી રેલવેના સામાન્ય યાત્રીઓને આરામદાયક, સુવિધાજનક અને સુખમય રેલયાત્રાનો અનુભવ થઇ શકે. સોમનાથ રેલવે સ્ટેશનનું રૂ. 157.4 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. ત્રણ વર્ષમાં એટલે કે 2025માં આ કામ પૂરું થઈ જશે. મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગનું પ્રતિનિધિત્વ કરશે.

સ્ટેશનની ડિઝાઈન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ પાસાને આધારે તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રાચીન તેમજ આધુનિક વાસ્તુકલા પણ જોવા મળશે. રેલવે સ્ટેશનના પુન: નિર્માણની કામગીરી પશ્ચિમ રેલવેના ભાવનગર યુનિટ દ્વારા કરવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવેના ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ભારતીય રેલવે પ્રથમ એવું સ્ટેશન છે, જેને વિશ્વસ્તરીય સ્ટેશન રૂપે પુન:વિકસિત કરવામાં આવ્યું છે અને બીજા બે સ્ટેશન મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે રાની કમલાપતિ અને કર્ણાટકના બેંગ્લુરુમાં સર. એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનલ છે. આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના છ સ્ટેશનો એટલે કે સોમનાથ, સૂરત, ઉધના, સાબરમતી, ન્યૂ ભુજ અને અમદાવાદ સ્ટેશનોના પુન:વિકાસનું કામ ચાલી રહ્યું છે.

પશ્ચિમ રેલવેમાં પુન:વિકાસ કરવામાં આવી રહેલા સ્ટેશનો અંગે ઉલ્લેખનીય બાબત એ છે કે સોમનાથ સ્ટેશનના પુન:વિકાસનું કાર્ય શરૂ થઇ ગયું છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ કામગીરી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ગતિશક્તિ યુનિટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સોમનાથ સ્ટેશનને 157.4 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે એક આધુનિક સ્ટેશન રૂપે પુન:વિકાસ કરવામાં આવી રહ્યો છે અને તેની કામગીરી માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સપ્ટેમ્બર, 2022થી આ સ્ટેશનને કામગીરી માટે બંધ કરવામાં આવ્યું છે અને હાલમાં સ્ટેશનના બિલ્ડિંગને પાડવાની કામગીરી ચાલે છે. તે સાથે જ પાયાનું ખોદકામ પણ ચાલુ છે.

સોમનાથ સ્ટેશનને વાસ્તુશિલ્પ સાથે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે જેનાથી એ નિશ્ચિત થશે કે સમગ્ર સ્ટેશનનો આગળનો ભાગ, ફિનિશિંગ, રંગ, સામગ્રી, તેની રચના અને સમગ્ર રૂપ અને અનુભવ દ્વારા એક સમાન લાગે. મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે અને આગળનો ભાગ પણ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર જેવો દેખાતો હશે. તેની ડિઝાઇન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ પાસાંને પ્રતિબિંબિત કરશે અને પ્રાચીન તેમ જ આધુનિક વાસ્તુકલાનું સુંદર મિશ્રણ હશે.

પશ્વિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમનાથ રેલવે સ્ટેશનને વિવિધ સુખ-સગવડો અને સુવિધાઓ માટે પૂરતા ક્ષેત્રો સાથે મનોરમ્ય રીતે ડિઝાઇન કરેલા સ્ટેશન રૂપે અપગ્રેડ અને પુન:વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ યોજનમાં અલગ અલગ આવવા-જવાના યાત્રી પ્લાઝા, સ્ટેશનના પ્લેટફોર્મ ભીડથી મુક્ત અને સરળતાથી અંદર આવવા-બહાર જવાની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. પ્લેટફોર્મ પરની ભીડ ઓછી કરવા માટે મુસાફરો માટે સગવડોથી ભરપૂર કોનકોર્સ-વેઇટિંગ રૂમ હશે. આખું સ્ટેશન વાઇ-ફાઇ કવરેજ ધરાવતું હશે. ઊર્જા, પાણી તથા અન્ય સંસાધનોના યોગ્ય ઉપયોગ, ઊર્જાનો નવીનતાભર્યો ઉપયોગ વગેરે સગવડોની સાથે સ્ટેશન ભવન ગ્રીન બિલ્ડિંગ હશે. બેટરી ચાર્જ કરવાની સુવિધા અને બેટરી સંચાલિત વાહનોના સંચાલનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ધરાવતું હશે, જેમાં ઉત્કૃષ્ટ રેલવે મેનેજમેન્ટ માટે કુશળતાપૂર્વક ડિઝાઇન કરવામાં આવેલ લાક્ષણિકતાઓ સામેલ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code