
જગન્નાથજી રથયાત્રાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરી
અમદાવાદઃ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી છે, જેથી રથયાત્રાના સમગ્ર રૂટ હાલ જગન્નાથજી મય બન્યાં છે, અને ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યાં છે. દરમિયાન આજે વહેલી સવારે 4 કલાકે જગન્નાથજી મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતા અને ભગવાનની આરતી કરી હતી. તેમજ જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષોથી અષાઢી બીજના પાવન પર્વ ઉપર ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં વર્ષોથી હાજર રહે છે, આ પરંપરા અનુસાર અમિત શાહ આજે વહેલી સવારે પરિવાર સાથે મંદિર પહોંચ્યાં હતા. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. આ સમયે મંદિર જય જગન્નાથના નાદથી ગુંજ્યુ હતુ.અમિત શાહે આરતી બાદ સાષ્ટાંગ પ્રણામ કરીને ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા હતા.
વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. બીજી તરફ સુરક્ષાને લઈને પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સાથે ભગવાનના દર્શન કરવા માટે અનેક રાજકીય આગેવાનો પણ આવ્યાં હતા.