
જહાંગીરાબાદઃ રેલવે ટ્રેક ઉપર મોબાઈલ ઉપર રિલ બનાવાની કિશોરને ભારે પાડી, ટ્રેન અડફેટે મોત
લખનૌઃ ઈન્ટરનેટ પર રીલ બનાવવાનો ટ્રેન્ડ યુવાનો અને કિશોરો માટે ખતરો બની રહ્યો છે. સોશિયલ મીડિયામાં વધારે લાઈક્સ અને કોમેન્ટની ઈચ્છામાં લોકો જોખમ ઉઠાવતા અચકાતા નથી. દરમિયાન ઉત્તરપ્રદેશમાં રીલના શોખે કિશોરનો જીવ લીધો હતો. રેલવે ટ્રેક પર રીલ બનાવતી વખતે કિશોર ટ્રેનની અડફેટે આવી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના સમયે તેના મિત્રો પણ હાજર હતા.
જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનના ટેરા દૌલતપુરના રહેવાસી 16 વર્ષીય ફરમાન, હાફીઝ, નાદિર અને સમીર સવારે શહાબપુર જઈ રહ્યા હતા. મોજ-મસ્તી કરતા તેઓ દામોદરપુર ગામ પાસેના રેલવે ક્રોસિંગ પર પહોંચ્યા હતા, જ્યાં રેલવે ક્રોસિંગ બંધ જોઈને તેઓ થંભી ગયા હતા. આ દરમિયાન તેઓ રેલવે ટ્રેક પર ગયા અને મોબાઈલ ફોનથી રીલ બનાવવા લાગ્યા હતા, જેમાં પાછળથી એક હાઈસ્પીડ ટ્રેન આવતી જોવા મળી.
રીલ બનાવતી વખતે ફરમાન નામનો કિશોર દરભંગા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ ગેટમેન સહિત આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ફરમાનના મિત્રો પણ સ્થળ પર હાજર હતા, જેમણે મૃતકના પરિવારને જાણ કરી હતી. રેલ્વે પોલીસે ઘટના સ્થળે જઈ મૃતકના સાથીદારોના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અધિક પોલીસ અધિક્ષક ઉત્તર આશુતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે, રીલ અને સેલ્ફી આજના યુવાનો અને કિશોરોની ફેશન બની ગઈ છે. જેના કારણે દરરોજ અકસ્માતો સર્જાય છે. રીલ બનાવવામાં કંઈ ખોટું નથી, પણ વધુ લાઈક્સ અને કોમેન્ટના લોભમાં જોખમ ન લેશો. તમારી અને તમારા પ્રિયજનોની કાળજી લો. આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે.