
જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને રૂ. 10 કરોડની પ્રોટેક્શન મની આપ્યાનો મહાઠગ સુકેશનો આક્ષેપ
નવી દિલ્હીઃ મહાઠગ સુકેશ ચંદ્રશેખરએ દાવો કર્યો હતો કે, તેણે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના મંત્રી સત્યેન્દ્ર જૈનને પ્રોટેક્શન મનીના નામે રૂ. 10 કરોડ આપ્યાં છે. મહાઠગ સુકેશના આ આક્ષેપના પગલે રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ ભાજપ સહિતના રાજકીય પક્ષોએ આમ આદમી પાર્ટીને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યાં છે. બીજી તરફ બચાવની સ્થિતિમાં આવી ગયેલી આમ આદમી પાર્ટીએ મોરબી દૂર્ઘટના ઉપરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યાનો આક્ષેપ કર્યો હતો.
ભાજપના આઈટી વિભાગના ચીફ અમિત માલવીયાએ આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતા બળજબરીથી વસુલાત કરવામાં આવી રહી છે. સત્યેન્દ્ર જૈન હાલ પણ દિલ્હીમાં કેજરીવાલ સરકારમાં મંત્રી છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, ઠગના ઘરે ઠગી થઈ, આ ઠગનું નામ છે સુકેશ ચંદ્રશેખર અને તેના ઘરે ઠગાઈ કરનાર મહાઠગનું નામ આમ આદમી પાર્ટીના નેતા અને સત્યેન્દ્ર જૈન છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને કેજરિવાલ સામે ગંભીર આક્ષેપ કર્યાં હતા. બીજી તરફ આમ આદમી પાર્ટી બજાવની સ્થિતિમાં આવ્યું છે.
આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે જણાવ્યું હતું કે, માત્ર મોરબી દૂર્ઘટના ઉપરથી લોકોનું ધ્યાન હટાવવા માટે આ ખોટી અફવા ફેલાવવામાં આવી છે. બીજી તરફ સુકેશ ચંદ્રશેખરના દાવાને પગલે ખળભળાટ મચી ગયો છે. તેમજ આગામી દિવસોમાં આ મુદ્દે આપને ઘેરવાના પ્રયાસ કરવામાં આવે તેવી શકયતા છે.