નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં આતંકીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થઈ રહી છે. તલાશી અભિયાન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું, જેના જવાબમાં દળોએ પણ ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે, જ્યારે એક અધિકારી ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. હાલ વિસ્તારમાં તલાશી અભિયાન ચાલુ છે.
કાશ્મીર ઝોન પોલીસ મુજબ, ગુપ્ત માહિતીના આધારે કુલગામના ગુડ્ડાર જંગલ વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, સૈના અને CRPFની SOG ટીમો એકસાથે કાર્યવાહી કરી રહી છે. તલાશી દરમિયાન જંગલમાં છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ મક્કમ પ્રતિકાર આપ્યો. બંને તરફથી ભારે ગોળીબાર થયો. આ દરમિયાન એક અધિકારી ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

