Site icon Revoi.in

જામનગર એરપોર્ટને કસ્ટમર સેટિસ્ફેક્શનમાં દેશભરમાં મળ્યું ચોથુ સ્થાન

Social Share

જામનગર, 23 જાન્યુઆરી 2026: શહેરના એરપોર્ટને પ્રવાસીઓની સુવિધામાં ગુણવત્તલક્ષી કામગીરીને લીધે દેશભરમાં ચોથુ સ્થાન મળ્યુ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટ એ કસ્ટમર સેટિસ્ફેક્શન ઇન્ડેક્સ (સીએસઆઈ) સર્વે રાઉન્ડ-2,2025 માં 5માંથી 4.96 નો ઉત્તમ સ્કોર પ્રાપ્ત કરીને દેશભરના 63 એરપોર્ટ્સમાં 4થો ક્રમ મેળવ્યો છે. સાથે જ, જામનગર એરપોર્ટને ગુજરાત રાજ્યના એરપોર્ટ્સમાં પણ દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો છે.

દેશના 63 એરપોર્ટનો પ્રવાસીઓ માટે ગુણવત્તાલક્ષી કામગીરી માટે સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે પરિણામો મુજબ, જામનગર એરપોર્ટ એ પ્રવાસીઓની સુવિધાઓના મોટાભાગના ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરની કામગીરી દર્શાવી છે. એરપોર્ટ સુધી અને એરપોર્ટથી અપ-ડાઉન સુવિધામાં (4.91), પાર્કિંગ સુવિધાઓ (4.91), બેગેજ ટ્રોલીની ઉપલબ્ધતા (4.93), ચેક-ઇન માટેનો રાહ જોવાનો સમય (4.94) તથા ચેક-ઇન સ્ટાફની કાર્યક્ષમતા (4.97) જેવા પરિમાણોમાં ઉત્તમ ગુણાંક પ્રાપ્ત થયા છે.

 આ ઉપરાંત સ્વચ્છતા અને પ્રવાસીઓની સુવિધાઓમાં જામનગર એરપોર્ટની કામગીરી સારી રહી છે.  જેમાં ટર્મિનલની સ્વચ્છતા (4.96), શૌચાલયોની ઉપલબ્ધતા (4.99), શૌચાલયોની સ્વચ્છતા (4.91), ટર્મિનલની અંદર ચાલવાની સુવિધા (4.94) અને એરપોર્ટમાં માર્ગ શોધવાની સરળતા (4.97 )નો સમાવેશ થાય છે. તેમજ ફ્લાઇટ માહિતી ડિસ્પ્લે સિસ્ટમને 4.99 નો ઉત્તમ સ્કોર મળ્યો છે. રેસ્ટોરન્ટ અને સુવિધાઓ માટે રેસ્ટોરન્ટ/ભોજન સુવિધા (4.97), શોપિંગ માટે મૂલ્ય-પ્રતિ-પૈસા (4.95), વાઈ-ફાઈ/ઇન્ટરનેટ સેવા (4.95) તથા એરપોર્ટનું વાતાવરણ (4.92) નોંધપાત્ર રહ્યા છે. સુરક્ષા અને સ્વચ્છતા બાબતે સુરક્ષા તથા હાઈજીન વ્યવસ્થાની અસરકારકતા (4.98) અને પ્રવાસીઓનો વિશ્વાસ સ્તર (4.91) ઊંચો રહ્યો છે. ખાસ કરીને, પ્રવાસીઓ દ્વારા અનુભવાયેલ તણાવનું સ્તર માત્ર 1.04 નોંધાયું છે. આ સિદ્ધિ જામનગર એરપોર્ટના સંચાલન અને કર્મચારીઓની સમર્પિત કામગીરીનું પ્રતિબિંબ છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની મુસાફર કેન્દ્રિત સેવા પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

Exit mobile version